તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st October 2025
વડોદરામાં ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે પોતાની સોસાયટીમાં અનોખી રીતે દિવાળી ઉજવી
ધારાસભ્ય પટેલ પોતાના પરિવારજનો સાથે બહાર નીકળ્યા અને પડોશીઓ સાથે મળીને દિવાળીના ફટાકડા ફોડતા ખુશીના પળો માણ્યા:આસપાસના લોકોને મીઠાઈ વહેંચી સૌને શુભેચ્છાઓ આપી

વડોદરા શહેરમાં દિવાળી પર્વની ઉજવણીનો માહોલ દરેક ખૂણે જોવા મળી રહ્યો છે. આવી જ ધામધૂમ વચ્ચે શહેરના સિનિયર ધારાસભ્ય તેમજ પૂર્વ મંત્રી યોગેશ પટેલે પોતાની સોસાયટીમાં અનોખી રીતે દિવાળી ઉજવી હતી. સામાન્ય રીતે રાજકીય નેતાઓ જાહેર કાર્યક્રમો કે સત્તાવાર સમારંભોમાં ભાગ લેતાં હોય છે, પરંતુ આ વખતે ધારાસભ્ય યોગેશ પટેલે યુવાનની જેમ ઉત્સાહપૂર્વક ફટાકડા ફોડી પોતાના પડોશીઓ સાથે ઉજવણી કરી હતી.
શહેરના અમદાવાદી પોળ વિસ્તારમાં આવેલી તેમની સોસાયટીમાં સાંજ પડતાં જ પ્રકાશની ઝળહળાટ વચ્ચે ઉજવણી શરૂ થઈ હતી. ધારાસભ્ય પટેલ પોતાના પરિવારજનો સાથે બહાર નીકળ્યા અને પડોશીઓ સાથે મળીને દિવાળીના ફટાકડા ફોડતા ખુશીના પળો માણ્યા હતા
તેમની પત્ની પણ આ ઉજવણીમાં જોડાઈ હતી અને બંનેએ આસપાસના લોકોને મીઠાઈ વહેંચી સૌને શુભેચ્છાઓ આપી હતી. ઉજવણી દરમિયાન ખાસ વાત એ રહી કે યોગેશ પટેલે પોતાના પડોશીઓ સાથે સામસામે ફટાકડા ફેંકી આનંદ વ્યક્ત કર્યો, જે દ્રશ્યો જોવા રહેવાસીઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા. લોકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.
જો કે, આ પ્રકારની ઉજવણી દરમ્યાન સાવચેતી જરૂરી હોવાનો સંદેશ પણ લોકોએ આપ્યો. ફટાકડાના ધડાકા વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખવી જરૂરી છે. યોગેશ પટેલે પણ લોકોને સલામત રીતે અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઉત્સવ ઉજવવાની અપીલ કરી હતી. દિવાળીનો પર્વ આનંદ, એકતા અને પ્રકાશનો સંદેશ આપે છે અને ધારાસભ્ય યોગેશ પટેલની આ ઉત્સાહી ઉજવણી એ સંદેશને વધુ જીવંત બનાવી ગઈ.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
