News of Tuesday, 21st October 2025
વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયાનો પાર્થિવદેહ પંચમહાભૂતોમાં વિલીન, શનિવારે બેસણું
મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના અનેક રાજકીય સામાજિક આગેવાનો દ્વારા સ્વ.વજુભાઈ ડોડીયાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ/સાણંદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ પરમાભાઈ ડોડીયા મંગળવારે દેવલોક પામ્યા હતા. મંગળવાર સવારે તેમના નિવાસસ્થાન દિવ્યજ્યોત હાઇસ્કુલ ખાતે તેમનો પાર્થિવદેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. સ્વ. વજુભાઈ ડોડીયાના અંતિમ દર્શન માટે રાજકીય સામાજિક શૈક્ષણિક સહકારી આગેવાનો કાર્યકર્તાઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સદગતની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સ્વ.વજુભાઈ ડોડીયા વિરમગામ સાણંદના પૂર્વ ધારાસભ્ય, ડિરેક્ટર એડીસી બેંક તથા ગુજકો માસોલ તરીકે કાર્યરત હતા. સદગતનું બેસણું તારીખ 25-10-2025 ને શનિવારના રોજ સવારે 8:00 થી 12.00 કલાક સુધી મંગલમ સોસાયટી, આઇ.ઓ.સી કોલોની પાછળ, વિરમગામ ખાતે રાખવામાં આવ્યું છે. વજુભાઈ ડોડીયાના નિધનથી સામાજિક રાજકીય શૈક્ષણિક સહકારી આગેવાનો કાર્યકર્તાઓમાં શોકની લાગણી જોવા મળી રહી છે. મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના અનેક રાજકીય સામાજિક આગેવાનો દ્વારા સ્વ. વજુભાઈ ડોડીયાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વિરમગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને સહકાર અગ્રણી વજુભાઈ ડોડીયાના અવસાન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. સાદગીપૂર્ણ વ્યક્તિત્વ સાથે તેમણે સહકારિતા ક્ષેત્રના વિકાસ તેમજ સમાજ કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે, તેમજ તેમના સ્વજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વિરમગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયાના અવસાનના સમાચાર સાંભળી ઊંડા દુઃખની લાગણી અનુભવું છું. પરમકૃપાળુ પરમાત્મા સદ્ગત આત્માને ચિર શાંતિ અર્પે તેમજ પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના. ૐ શાંતિ શાંતિ શાંતિ.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
