News of Wednesday, 22nd October 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિક્રમ સંવત ૨૦૮૨ના પ્રારંભે રાજ્યના તમામ નાગરિકોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી
મુખ્યમંત્રી એ નૂતન વર્ષે અમદાવાદના ભદ્રકાળી માતાજીના મંદિરે પૂજા-અર્ચના કરી, રાજ્યના વિકાસ અને સૌ નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી : મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદના નાગરિકો તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારો સાથે નવ વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું

અમદાવાદ : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના સૌ નાગરિકોને વિક્રમ સંવત ૨૦૮૨ના પ્રારંભે નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ નવું વર્ષ સમગ્ર ગુજરાત માટે સુખદાયી અને સમૃદ્ધિમય બને તેમજ ગુજરાત પ્રગતિનાં નવાં શિખરો સર કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ ‘હર ઘર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને આત્મસાત કરી, આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નમાં સહભાગી બનવા સૌ નાગરિકોને અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ નૂતનવર્ષના પ્રારંભે અમદાવાદના લાલ દરવાજા પાસેના ભદ્રકાળી માતાજીનાં દર્શન-પૂજન કરી, રાજ્યના નાગરિકોનાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભદ્રકાળી માતાજીને પ્રાર્થના કરી હતી.
ત્યાર બાદ મુખ્યમંત્રીશ્રીએ એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે શહેરના શ્રેષ્ઠીઓ અને સામાન્ય નગરજનોને મળીને નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું હતું.
આ અવસરે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર શ્રીમતી પ્રતિભા જૈન, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, આગેવાનો અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ત્યાર બાદ મુખ્યમંત્રીશ્રીએ નૂતન વર્ષ નિમિત્તે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તથા તેમના પરિવારોની મળીને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, રાજ્ય પોલીસવડા શ્રી વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
