<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

ભાઈબીજના દિવસે જ અમદાવાદમાં ભીષણ અકસ્માત: પ્રહલાદનગરમાં આગનું તાંડવ! વહેલી સવારે 5 દુકાનો બળીને ખાખ, લાખોનું નુકસાન

શોર્ટ સર્કીટના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ, સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની નથી

નવા વર્ષના બીજા દિવસે, ભાઈબીજના પવિત્ર પર્વ પર અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં રેડિયો મિર્ચી રોડ પર આવેલી પાંચ દુકાનોમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.
સદનસીબે આ ભીષણ આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ પાંચેય દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જતાં દુકાનદારોને લાખો રૂપિયાના માલ-સામાન અને સંપત્તિનું ભારે નુકસાન થવાની સંભાવના છે.
આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.
વહેલી સવારે લાગેલી આ આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે તપાસ અધિકારીઓ કામે લાગ્યા છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા વધુ સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, દિવાળીના દિવસે રાજ્યમાં ફટાકડાની આતશબાજીને કારણે 56 લોકો દાઝ્યા હતા, જ્યારે અમદાવાદમાં એક વ્યક્તિનું મોત થયું હતું. 108 ઇમર્જન્સી સેવાને દિવાળી દરમિયાન 918 જેટલા કોલ મળ્યા હતા, જેમાં આગ લાગવાના અને દાઝવાના અનેક કેસ સામે આવ્યા હતા. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલોમાં આ વખતે મોટી દુર્ઘટનાના કેસ ઓછા નોંધાયા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ ભાઈબીજના દિવસે આ પાંચ દુકાનોમાં આગ લાગવાની ઘટનાએ દુકાનદારોની ખુશી છીનવી લીધી છે.

(11:39 AM IST)