<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

વિરમગામના પૂર્વ ધારાસભ્‍ય વજુભાઇ ડોડીયાના નિધન પર સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલે કરેલી પોસ્‍ટથી વિવાદ

જિલ્‍લા સહકારી બેંકના ડિરેકટરનું મૃત્‍યુ થાય તો કેટલા સમયમાં એ જગયા ભરવાની જોગવાઇ છે ? .... આ કોમેન્‍ટે લોકોને વિચરમાં મુકી દીધા છે

વિરમગામ : ગુજરાતના વિરમગામમાં પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર વજુભાઈ વલ્લભભાઈ ડોડીયાના આચાનક મોત પર શોકની લાગણી હોય ત્યારે ભાજપના વર્તમાન ધારાસભ્ય હાર્દિક પટેલની સોશિયલ મીડિયા પોસ્ટે વિસ્તારમાં રાજકારણને ગરમાવી દીધું છે. હાર્દિક પટેલે તેમના ઓફિશિયલ બ્લુટિક વાળા એકાઉન્ટ પરથી કરેલી કોમેન્ટમાં જણાવ્યું કે, "જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટરનું મૃત્યુ થાય તો કેટલા સમયમાં એ જગ્યા ભરવાની જોગવાઈ છે?" આ કોમેન્ટે લોકોને વિચારમાં મુકી દીધા છે.

જ્યારે લોકો 'ઓમ શાંતિ' લખીને શોક વ્યક્ત કરતા હતા, ત્યારે હાર્દિક પટેલની અલગ કોમેન્ટથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. હાર્દિક પટેલની કોમેન્ટ પછી તેમની ટીકા કરવામાં આવી રહી છે. વજુભાઈ ડોડીયા જે લાંબા સમયથી સહકારી ક્ષેત્રમાં સક્રિય હતા, તેમના અવસાનથી વિરમગામના સહકારી વર્તુળમાં શોકનો માહોલ છે, પરંતુ હાર્દિકની આ ટીકા કોમેન્ટથી રાજકારણમાં તીખી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

વજુભાઈ ડોડીયા (ઉં. 68), જે પૂર્વમાં ધારાસભ્ય રહ્યા અને વિરમગામ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર તરીકે જાણીતા હતા, તેમનું તાજેતરમાં હૃદયરોગને કારણે અચાનક અવસાન થયું. તેમના અવસાનના સમાચાર વિસ્તારમાં ફેલાયા પછી સોશિયલ મીડિયા પર લોકોએ શોક વ્યક્ત કર્યો, અને તેમના પુત્ર વિકાસ ડોડીયા (વર્તમાન ધારાસભ્ય)ને સમર્થન આપ્યું. પરંતુ, આ શોકના વાતાવરણમાં હાર્દિક પટેલે તેમના ફેસબુક પેજ પરથી કરેલી કોમેન્ટે વાતને રાજકારણ તરફ વાળી દીધી છે.

એક તરફ વજુ ભાઈ ડોડીયાના મોત પર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક રાજકીય નેતાઓ અને સામાજિક અગ્રણીઓએ સ્વ. વજુભાઈ ડોડીયાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તો બીજી તરફ હાર્દિક પટેલને બેંકની જગ્યા ભરવાની પડી છે. બેંકની જગ્યા ભરવા વિશે વાત કરવી જ હતી તો મોતના એકાદ-બે દિવસ પછી પણ કરી શકાય તેમ હતી. પરંતુ વજું ભાઈ ડોડીયાના મોત પછી તરત જ હાર્દિક પટેલની કોમેન્ટે બધાને ચોંકાવી દીધા હતા.

વિરમગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયાના અવસાનના સમાચાર સાંભળી ઊંડા દુઃખની લાગણી અનુભવું છું.

પરમકૃપાળુ પરમાત્મા સદ્ગત આત્માને ચિર શાંતિ અર્પે તેમજ પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના.

હાર્દિકે મોતને રાજનીતિ કરતાં લખ્યું કે, "જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટરનું મૃત્યુ થાય તો કેટલા સમયમાં એ જગ્યા ભરવાની જોગવાઈ છે? આ કોમેન્ટે લોકોને સ્તબ્ધ કરી દીધા કારણ કે તે મૃત્યુ વચ્ચે પણ રાજકારણની રમત રમવા અને તેનાથી ફાયદો કેવી રીતે ઉઠાવવો તેવી દ્રષ્ટિ સામે આવી છે.

જણાવી દઈએ કે, વજુભાઈ ડોડીયા વર્ષ 2002 થી 2007 દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે વિરમગામ-સાણંદ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રાજકારણ ઉપરાંત તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અગ્રણી અને શ્રી નાડોદા રાજપૂત સમાજના એક આદરણીય વડીલ બંધુ તરીકે પણ સક્રિય હતા. તેમની સાદગીપૂર્ણ છબી, નિષ્ઠા અને જનસંપર્કને કારણે તેઓ તેમના વિસ્તારમાં અત્યંત લોકપ્રિય હતા. ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે વિસ્તારના વિકાસલક્ષી કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સહકારિતા ક્ષેત્રના વિકાસ અને સમાજ કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓમાં તેમનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે.

(11:42 AM IST)