<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

વલસાડમાં મેઘરાજાની અનપેક્ષિત એન્ટ્રી: તોફાની પવન સાથે તીથલ બીચ પર ધોધમાર વરસાદ! નવા વર્ષની ઉજવણી બગડતાં લોકોમાં દોડધામ

વેપારીઓને નુકસાન, વીજ પુરવઠો પ્રભાવિત: હવામાન વિભાગની આગાહી સાચી પડી, અચાનક બદલાયેલા વાતાવરણથી જનજીવન પ્રભાવિત.

વલસાડ:  જિલ્લામાં નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો માટે આજે હવામાન અણધારી મુશ્કેલી લઈને આવ્યું છે. બપોર સુધી આકાશ સ્વચ્છ હતું, પરંતુ બપોર પછી અચાનક વાતાવરણે પલટો લીધો અને તોફાની પવન ફૂંકાવવાની સાથે ધોધમાર વરસાદ શરૂ થયો.
ખાસ કરીને પ્રવાસીઓથી ઉભરાતા તીથલ બીચ પર અચાનક વરસાદ શરૂ થતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. પરિવાર સાથે દરિયા કિનારે તહેવાર માણવા આવેલા લોકોએ આશ્રય શોધવા માટે દોટ મૂકી હતી. વરસાદને કારણે નવા વર્ષની ઉજવણીનો આનંદ બગડી ગયો હતો.
તેજ પવન અને વરસાદને કારણે દરિયા કિનારે આવેલી કેટલીક દુકાનોના છતના પડદા ફાટી ગયા હતા, જેના કારણે વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ એટલો તીવ્ર હતો કે વલસાડ, વાપી, ઉમરગામ અને ભીલાડ સહિતના વિસ્તારોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાતા કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હોવાના અહેવાલ છે.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં આ પ્રકારે પલટો આવવાની અને વરસાદ થવાની આગાહી કરી હતી, જે સાચી ઠરી છે. અચાનક આવેલા આ વરસાદને કારણે સ્થાનિક વહીવટીતંત્ર પણ સતર્ક થઈ ગયું છે.

(12:31 PM IST)