<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

સ્‍ટેપ્‍યુ ઓફ યુનિટીએ તોડ્યા રેકોર્ડ ઉપર રેકોર્ડઃ ૭ વર્ષમાં પોણા ત્રણ કરોડ પ્રવાસીઓ નોંધાયા

હાલમાં દિવાળીના વેકેશનમાં રોજ ૩૦ થી ૪૦ હજાર પ્રવાસીઓ મજા માણી રહ્યા છે, તમામ હોટલો, ટેન્‍ટ સીટી, રો હાઉસ એકદમ હાઉટસ ફુલઃ પ્રવાસીઓનો ઘસારો જોતા એસ.ટી.એ. પણ વધારાની બસો ફાળવી

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. આ પ્રતિમા એટલી વિશાળ છે કે તમે તેને સાત કિલોમીટર દૂરથી પણ જોઈ શકો છો. અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય આસપાસના અનેક સ્થળો પણ ઘણા સુંદર છે. આ દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની સૌથી પહેલી પસંદગી કેવડિયાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય છે. કેવડિયામાં સાત વર્ષમાં અત્યાર સુધીમાં 2.75 કરોડ કરતાં પણ વધુ પ્રવાસીઓ નોંધાયા છે. હાલ આ દિવાળી વેકેશન દરમિયાન પણ રોજના 30થી 40 હજાર પ્રવાસીઓ નોંધાઈ રહ્યા છે.

દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની સૌથી પહેલી પસંદગી કેવડિયા હોય છે. કેવડિયા અત્યાર સુધીમાં 2.75 કરોડ કરતાં પણ વધુ પ્રવાસીઓ નોંધાઈ ચૂક્યા છે. આ વેકેશન દરમિયાન પણ રોજના 30થી 40 હજાર પ્રવાસીઓ કેવડિયા આવે એવી તૈયારીઓ સાથે તંત્ર સજ્જ બન્યું છે. ત્યારે દિવાળી રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આ વર્ષે હાઉસફુલ જોવા મળ્યું છે. દિવાળી અને નવા વર્ષમાં બે દિવસમાં 80 હજાર પ્રવાસી નોંધાયા છે. 20 ઓક્ટોબરથી તમામ હોટલો, ટેન્ટસિટી, રો હાઉસ એકદમ હાઉસફુલ થયા છે.

ખાસ ટેન્ટસિટીમાં આ દિવાળીમાં આવતા પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં આવતા પ્રવાસીઓને સ્પેશિયલ આદિવાસી ફૂડ પીરસવામાં આવી રહ્યું છે. આ સાથે રાત્રે કલ્ચર પ્રોગ્રામની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

રોજના 50 હજાર કરતાં વધુ પ્રવાસીઓ આવતા તંત્ર દ્વારા સ્પેશિયલ એસટી બસો મૂકવામાં આવી છે. જેથી પ્રવાસીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે. દિવાળી વેકેશનમાં હવે ફરવા માટે લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે અને જેને લઈ તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે સુવિધાઓમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. આમ તો લોકો દિવાળી વેકેશનમાં અન્ય રાજ્યોમાં ફરવા જવાનું વિચારતા હોય છે પરંતુ ગુજરાતના કેવડિયામાં જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે ત્યારથી પ્રવાસીઓ હવે કેવડિયાને પહેલી પસંદગી કરી રહ્યા છે.

અહીં કુદરતી સૌંદર્યથી માંડીને 20થી વધુ નાના મોટા જોવાલાયક પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે. એટલે દેશ અને વિદેશમાં ફરવા જવા કરતાં કેવડિયા એકતાનગરમાં પ્રવાસીઓ આવી રહ્યા છે. આ સાથે હાલ આ 2025માં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે અહીં એકતા પ્રકાશ પર્વને લઈ લાઇટિંગ કરવામાં આવી છે જેને જોતા પ્રવાસીઓ કહે છે ઓ હો હો...જાણે વિદેશમાં ફરતા હોય એવો અહેસાસ થઈ રહ્યો છે.

ચાલુ વર્ષે પ્રવાસીઓ વધતા S.T. વિભાગની 30 બસો ફાળવવામાં આવી હતી. નર્મદા જિલ્લા પોલીસવડા દ્વારા 5 પીઆઇ, 7 psi અને 300 થી વધુ પોલીસ જવાનો મૂકવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે 31 ઓક્ટોબરની ઉજવણીમાં 5થી વધુ નવા પ્રોજેક્ટ જે 800 કરોડના ખર્ચે બન્યા હતા તેનું લોકાર્પણ નરેન્દ્ર મોદી કરવાના છે. જેમાં ખાસ નવી બોનસાઈ, સ્માર્ટ એસટી બસ સ્ટોપ, 30 ઇલેક્ટ્રિક એસી બસ જેવા અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા એટલી વિશાળ છે કે તમે તેને 7 કિલોમીટર દૂરથી પણ જોઈ શકો છો. જો તમે પણ ત્યાં જવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસથી તેની મુલાકાત લઈ જ લેવી જોઈએ. અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય બીજા અનેક સ્થળોએ પણ ફરી શકાય છે.

અહીં વિશ્વ વન, એકતા નર્સરી, બટરફ્લાય ગાર્ડન, કેક્ટસ ગાર્ડન, એકતા ઓડિટોરિયમ, ભારત વન, ફેરી સર્વિસિસ, એકતા મોલ, જંગલ સફારી સહિત રિવર રાફ્ટિંગની મજા માણી શકો છો. આ સિવાય તમે અહીંનું આકર્ષણનું કેન્દ્ર મનાતા ટેન્ટ સિટીમાં પણ રોકાઈ શકો છો.

(2:04 PM IST)