<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

આણંદમાં વિધાનગરની 'આશીર્વાદ વિલેજ હોટલ'માં આગનું તાંડવ! સરદાર પટેલ સ્ટેચ્યુ નજીક કિચન બળીને ખાખ, લાખોનું નુકસાન.

ફાયર વિભાગની ટીમની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી: શોર્ટ સર્કિટ કે ગેસ લિકેજ કારણભૂત હોવાની પ્રાથમિક શક્યતા.

આણંદ: વિધાનગર નજીક સ્થિત જાણીતી આશીર્વાદ વિલેજ હોટલમાં આજે અચાનક આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે આવેલી આ હોટલના કિચનમાં અગમ્ય કારણોસર ભભૂકેલી આગે જોતજોતામાં ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આગની જાણ થતાં જ હોટલના સ્ટાફે તાત્કાલિક કરમસદ-આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસને જાણ કરી હતી. ફાયર ઓફિસર ધર્મેશ ગોરના માર્ગદર્શન હેઠળ ડ્રાઇવર મુકેશ પટેલ, રાકેશ ડાભી, હર્ષિલ પટેલ અને ફાયરમેન વિવેક પટેલ, રઘુવીરસિંહ પઢીયાર, ઝૈદ મલેકની ટીમે વીજળીની ઝડપે ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે પાણીનો મારો ચલાવીને સમયસર આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. ફાયર વિભાગની આ સંકલિત કામગીરીને કારણે કોઈ જાનહાની થઈ નથી, જે એક મોટી રાહતની વાત છે.
જોકે, આગના તાંડવથી હોટલના કિચનમાં રહેલી તમામ ખાદ્ય સામગ્રી, ફર્નિચર અને ઇલેક્ટ્રિક વાયરિંગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. પ્રાથમિક અંદાજ મુજબ, હોટલને લાખો રૂપિયાનું મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ ફાયર વિભાગ ઇલેક્ટ્રિક શોર્ટસર્કિટ કે ગેસ લિકેજથી આગ લાગી હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહ્યું છે. આગ લાગવાની સાથે જ હોટલમાં રહેલા તમામ મહેમાનો અને સ્ટાફને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા.
ફાયર વિભાગે આ ઘટના બાદ વિસ્તારના હોટલ માલિકો અને વેપારીઓને નિયમિતપણે ઇલેક્ટ્રિકલ તેમજ ગેસ સિસ્ટમની તપાસ કરવા અને સાવચેતી રાખવાની સલાહ આપી છે.

(2:26 PM IST)