<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

નરોડામાં દારૂની હેરફેરનો પર્દાફાશ: આઇસરના ડાલામાં સંતાઈને બેઠેલી ૧૨ મહિલાઓ સહિત ૧૩ની ધરપકડ

બમણું ભાડું આપી રાજસ્થાનથી લવાતો હતો દારૂ: પોલીસે રૂ.૧૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, કુબેરનગર-સરદારનગરની મહિલાઓ સંગઠિત ગુનામાં સામેલ હોવાનું બહાર આવ્યું.

અમદાવાદ: અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીસે વિદેશી દારૂની હેરાફેરીના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ગતરોજ, નરોડા-નાના ચીલોડા ગામ ચાર રસ્તા પાસેથી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને, આઇસર વાહનના ડ્રાઇવર સહિત ૧૨ મહિલાઓની ધરપકડ કરી છે.
પોલીસને બાતમી મળી હતી કે સરદારનગર વિસ્તારની કેટલીક મહિલાઓ રાજસ્થાનથી ગેરકાયદેસર દારૂ લાવી રહી છે. આ માહિતીના આધારે પોલીસે નાના ચીલોડા ગામ ચાર રસ્તા પર વોચ ગોઠવી હતી.
 શંકાસ્પદ આઇસર વાહનને રોકીને તપાસ કરતાં તેનું પાછળનું ડાલું કાળી તાડપતરીથી બંધ હતું.
 પોલીસે ડાલું ખોલતાં તેમાં કોઈ ભારે સામાનને બદલે ૧૨ જેટલી મહિલાઓ ટોળું વળીને બેસેલી હતી, અને તેમની વચ્ચે કપડાના થેલાઓ પડેલા હતા.
 થેલાઓની તપાસ કરતાં તેમાંથી ૪૧૦ નંગ વિદેશી દારૂ (ક્વાર્ટર) અને બિયરના ટીન મળી આવ્યા હતા.
પોલીસે આઇસર ચાલક ભગવતીલાલ મેઘવાલ (રહે. ઉદયપુર, રાજસ્થાન) સહિત કુબેરનગર અને સરદારનગરની મોટાભાગની મહિલાઓની ધરપકડ કરી છે.
પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે તેઓ એક સંપ થઈને રાજસ્થાન ગયા હતા, જ્યાંથી છૂટાછવાયા જઈને દારૂ ખરીદ્યો હતો. તેમણે આઇસર ચાલકને બમણું ભાડું આપીને દારૂ અમદાવાદના સરદારનગર લાવવાનું નક્કી કર્યું હતું, જ્યાં દારૂ છૂટકમાં વેચીને નફો સરખા ભાગે વહેંચવાનો તેમનો પ્લાન હતો.
પોલીસે કુલ રૂ.૧૦,૯૭,૮૩૫ નો મુદ્દામાલ (જેમાં રૂ.૯૨,૮૩૫નો દારૂ-બિયરનો જથ્થો, આઇસર અને મોબાઇલનો સમાવેશ થાય છે) જપ્ત કર્યો છે અને તમામ ૧૩ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2:12 PM IST)