News of Friday, 24th October 2025
ડાંગના ગિરિમથક સાપુતારામાં ધોધમાર વરસાદ: પ્રવાસીઓમાં ખુશીનો માહોલ
અચાનક વરસેલા કમોસમી વરસાદને કારણે તૈયાર થયેલા પાકને ભારે નુકસાન થવાની ભીતિ

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના આગમનથી સાપુતારાનું વાતાવરણ વધુ આહલાદક બનતાં અહીં આવેલા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. જોકે પ્રવાસીઓ માટે ખુશી લાવનારો આ વરસાદ તળેટી વિસ્તારના ખેડૂતો માટે કમોસમી આફત બનીને આવ્યો છે.
સાપુતારાના તળેટી વિસ્તાર અને ડાંગ જિલ્લાના અન્ય ભાગોમાં વરસેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. જિલ્લામાં હાલમાં ખેડૂતોના ડાંગર, વરાઈ, નાગલી જેવા મુખ્ય પાકો તેમજ અન્ય કઠોળ પાકો તૈયાર થઈ ગયા છે અથવા લણણીના આરે છે. આ સમયે અચાનક વરસેલા કમોસમી વરસાદને કારણે તૈયાર થયેલા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદના પાણીથી પાક પલળી જવાથી તેની ગુણવત્તા બગડી જાય છે અને વજનમાં ઘટાડો થાય છે.
જેના કારણે ખેડૂતોને તેની યોગ્ય કિંમત મળતી નથી. ધરતીપુત્રોનું માનવું છે કે મહેનત બાદ જે પાક તૈયાર થયો હતો અને તેમના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કમોસમી વરસાદના કારણે થયેલા સંભવિત નુકસાન અંગે ખેડૂતો સરકાર સમક્ષ સહાયની માંગણી કરી રહ્યા છે. તંત્ર દ્વારા તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનનો સર્વે હાથ ધરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવું જરૂરી છે.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
