<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

સુરતના કામરેજમાં વાવ ગામ નજીક શેરડીના ખેતરમાં ભીષણ આગ ભભૂકી : ખેડૂતને લાખોનું નુકસાન

વાવ ગામ નજીક ખેતરમાં ઊભા શેરડીના પાકને ભીષણ આગ લાગી: આશરે 8 વીંઘા જેટલો ઉભો પાક આગની ઝપેટમાં આવી ગયો

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામ નજીક આજે એક દુઃખદ ઘટના બની હતી. અહીંના એક ખેતરમાં ઊભા શેરડીના પાકને ભીષણ આગ લાગી હતી. જેના કારણે આશરે 8 વીંઘા જેટલો ઉભો પાક આગની ઝપેટમાં આવી ગયો હતો. સદભાગ્યે ફાયર બ્રિગેડની સમયસર કામગીરીને કારણે વધુ નુકસાન થતું અટકાવવામાં આવ્યું હતું. આ આગ દિવાળીના તહેવારો દરમિયાન ફોડવામાં આવેલા ફટાકડાના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

શેરડીના સૂકા અને ઊંચા પાકમાં પવનને કારણે આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ લાગવાની જાણ થતાં જ કામરેજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરના જવાનોએ પાણીનો મારો ચલાવીને અને સતત પ્રયાસો કરીને આ ભીષણ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગને કારણે ખેડૂતને મોટું નુકસાન થયું છે.
ફાયર વિભાગના આવતાં પહેલાં જ લગભગ ત્રણ વીંઘા જેટલો શેરડીનો ઉભો પાક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાને કારણે ખેડૂતને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. કારણ કે તૈયાર પાક નષ્ટ થવાથી તેમને મોટો ફટકો પડ્યો છે. દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાની બેદરકારીને કારણે ખેતરોમાં થતા નુકસાનનો આ બનાવ એક ગંભીર ઉદાહરણ છે. પોલીસે આગના ચોક્કસ કારણની તપાસ હાથ ધરીને ખેડૂતને યોગ્ય સરકારી સહાય મળે તે દિશામાં કાર્યવાહી કરવી જોઈએ.

 

(11:59 PM IST)