News of Saturday, 25th October 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મંત્રી રમણ સોલંકી એક્શન મોડમાં: સ્થળ પર પહોંચી નિર્માણ કાર્યનું અચાનક નિરીક્ષણ કર્યું
"ગુણવત્તા અને સમયમર્યાદામાં કોઈ સમાધાન નહીં": મંત્રીએ ૧ કિ.મી. ચાલીને કામગીરીની પ્રગતિ જોઈ; અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને સલામતીના કડક પાલનનો આદેશ.

વડોદરા: તાજેતરમાં બનેલી દુર્ઘટનાને કારણે ચર્ચામાં આવેલા ગંભીરા નદી પરના નવા બ્રિજના નિર્માણ કાર્યની ગુણવત્તા અને ઝડપ સુનિશ્ચિત કરવા માટે રાજ્યના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ શુક્રવારે સવારે કોઈ પૂર્વ સૂચના વિના સ્થળ પર જઈને જાતે નિરીક્ષણ કર્યું હતું.
મંત્રી રમણભાઈ સોલંકીએ બ્રિજ નિર્માણ સ્થળે પહોંચીને પ્રોજેક્ટની પ્રગતિ, સલામતીના ધોરણો અને ક્વોલિટી કંટ્રોલ અંગે અધિકારીઓ તેમજ ઈજનેરો સાથે વિગતવાર ચર્ચા કરી.
મંત્રીએ સ્પષ્ટ સૂચનાઓ આપતાં જણાવ્યું કે, "બ્રિજનો આ પ્રોજેક્ટ લોકોની સુવિધા માટે અત્યંત મહત્વનો છે. તેથી, સમયમર્યાદા અને ક્વોલિટી બંને બાબતોમાં કોઈ સમાધાન ચાલશે નહીં. સમગ્ર કામગીરીમાં વધુ ઝડપ લાવવા તેમજ ગુણવત્તા જાળવવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવે છે."
મંત્રીએ માત્ર ઓફિસિયલી માહિતી ન લેતા, સ્થળની ૧ કિલોમીટરના વિસ્તાર સુધી પગપાળા મુલાકાત લીધી હતી અને પોતાની આંખે વિવિધ તબક્કાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કોન્ટ્રાક્ટર અને વિભાગીય અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું અને ખાસ કરીને સલામતીના ધોરણોનું કડક પાલન થાય તે સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો.
આ મુલાકાતથી સ્થાનિક નાગરિકોમાં આશા જાગી છે કે ગંભીરા બ્રિજનું નિર્માણ કાર્ય ઝડપી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થશે, જેનાથી આ વિસ્તારના વાહનવ્યવહાર અને આર્થિક પ્રવૃત્તિને મોટી રાહત મળશે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
