<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

વાવાઝોડાની આગાહી વચ્ચે હવામાનનો પલટો: ઊંઝા સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અચાનક ધોધમાર વરસાદ ખાબક્યો

ખેડૂતોમાં ચિંતા: કપાસ અને બાજરી સહિત તૈયાર પાકને નુકસાનની ભીતિ; અરબ સાગર અને બંગાળની ખાડી એમ બે સિસ્ટમનો ગુજરાત પર ડબલ ખતરો

મહેસાણા: ગુજરાતના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી ૫ થી ૬ દિવસ દરમિયાન ભારે વરસાદની જે આગાહી કરી હતી, તેના પગલે મહેસાણા જિલ્લાના ઊંઝા સહિતના અનેક પંથકમાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ધોધમાર વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે.
ઊંઝા, દાસજ, કહોડા, કામલી, ડાભી અને આસપાસના વિસ્તારોમાં પડેલા આ અણધાર્યા વરસાદથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે.
 તૈયાર પાક જોખમમાં: આ સમયગાળામાં ખેતરોમાં બાજરી અને કપાસ સહિતનો પાક તૈયાર છે. અચાનક પડેલા વરસાદના કારણે આ પાકને ભારે નુકસાન થવાની શક્યતા જણાઈ રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત પર હાલ બે સમુદ્રી સિસ્ટમની સંયુક્ત અસર જોવા મળી રહી છે:
1.  અરબ સાગરનું ડિપ્રેશન: આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને આગામી દિવસોમાં વધુ તીવ્ર બની શકે છે.
2.  બંગાળની ખાડીમાં વાવાઝોડું: બંગાળની ખાડી પરનું લો પ્રેશર ૨૬ ઓક્ટોબરે ડીપ ડિપ્રેશનમાં અને ૨૭ ઓક્ટોબરે વાવાઝોડા (Cyclonic Storm) માં ફેરવાશે, જેની અસર ગુજરાતમાં વરસાદ લાવશે.
હવામાન નિષ્ણાતોએ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ૪ થી ૫ દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. કેટલાક વિસ્તારોમાં ૪ થી ૮ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં પણ ૩ ઇંચ જેટલો વરસાદ થવાનો અંદાજ છે.
ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પાક કાપણી ટાળે અને ખુલ્લા ખેતરોમાં રહેલા ધાન્યને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડી લે, કારણ કે આગામી દિવસોમાં હવામાન અસ્થિર રહેવાની પૂરી સંભાવના છે. તમામ બંદરો પર માછીમારોને દરિયો ન ખેડવા માટે ભયસૂચક સિગ્નલ લાગુ કરી દેવાયા છે.

(11:31 AM IST)