તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th October 2025
વડોદરામાં જુગારધામ ઝડપાયુ
નવાપુરા પોલીસના દરોડામાં 6 લોકોની ધરપકડઃ ર.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરાઃ શહેર પોલીસ દ્વારા જુગાર વિરુદ્ધ ચાલતા અભિયાન દરમિયાન નવાપુરા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બકરાવાડી વિસ્તારમાં આવેલા આઝાદ મેદાનમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડી 6 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો મેદાનમાં રૂલીંગ જુગાર રમી રહ્યા છે, જેના આધારે ટીમ સ્થળ પર છાપો મારી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે સ્થળ પરથી જુગારી અલ્તાફ હુસેન શેખ, અભય ચુનારા, કમલ ચુનારા, અજય ચુનારા, સાગર ચુનારા અને મુકેશ મકવાણાની ધરપકડ કરી છે. તેમની પાસેથી રોકડ રૂપિયા, મોબાઇલ ફોન અને મોપેડ સહિત કુલ રૂ.2.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ શખ્સો છેલ્લા કેટલાક દિવસોથી આઝાદ મેદાનમાં ભેગા થઈ જુગાર રમતા હતા. આસપાસના વિસ્તારમાંથી પણ લોકો ત્યાં આવી જોડાતા હતા. પોલીસના આવતા પહેલાં કેટલાક લોકો ભાગી છૂટવામાં સફળ રહ્યા હોવાની માહિતી મળી છે.
નવાપુરા પોલીસે જુગારીઓ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે અન્ય સંડોવાયેલા શખ્સોની ઓળખ અને તેમના નેટવર્ક અંગે તપાસ શરૂ કરી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે શહેરમાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે સતત અભિયાન હાથ ધરાશે. તહેવારોના દિવસોમાં વધતી જુગારની પ્રવૃત્તિને ધ્યાનમાં લઈને પોલીસે વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે, જેથી શાંતિ-સુરક્ષા જળવાઈ રહે અને ગેરકાયદેસર ધંધા પર અંકુશ મૂકી શકાય.
(12:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
