News of Saturday, 25th October 2025
સુરતમાં છઠ પૂજા માટે વતન જતા મુસાફરોએ ટિકીટ માટે લાઇનમાં નહી ઉભુ રહેવુ પડે
વેસ્ટર્ન રેલવેએ કરેલી ખાસ વ્યવસ્થાના કારણે ક્રાઉડ મેનેજમેન્ટ શક્ય બન્યુઃ મોબાઇલ ટીકીટ યુનીટ, વેઇટીંગ મલ્ટી ટાસ્કીંગ ફોર્સની

સુરતઃ દિવાળી અને છઠ પૂજા માટે મોટી સંખ્યામાં પરપ્રાંતિય સુરતથી પોતાના વતન તરફ જતા હોય છે. આ સમયે કોઈ દુર્ઘટના ન સર્જાય અને મુસાફરોની સલામતી જળવાય રહે તે માટે થઈને વેસ્ટર્ન રેલવેએ આ વખતે ખાસ સુવિધા ઉભી કરી છે. આ માટે 2600 થી વધુ ટ્રેનને નોટિફાઇ કરવામાં આવી છે. દરરોજ 6 થી વધારે સ્પેશિયલ નોટિફાઇડ ટ્રેન ઉધના સ્ટેશનથી ઉપડી રહી છે અને મુસાફરોને તેનો લાભ મળી રહ્યો છે. થોડા દિવસો પહેલાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 36,000 થી વધુ મુસાફરો ઉધના રેલવે સ્ટેશનથી પોતાના વતન જવા નીકળ્યા હતા.
ઉધના રેલવે સ્ટેશન પર 4 મોબાઇલ UPS યુનિટ એક્ટિવ કરવામાં આવેલ છે. જેના કારણે મુસાફરોને ટિકિટ બારી સુધી પહોંચવાની જરૂર નથી પડતી. ટિકિટ આપતા 4 લોકોને યુનિટ આપવામાં આવેલ છે. જે ટિકિટ બારી બહાર ઊભેલા લોકો પાસે જઈને પોર્ટેબલ મશીન દ્વારા મુસાફરને ટિકિટ ફાડી આપે છે. મુસાફરે ફક્ત કયાં જવું છે, કેટલા લોકોએ જવું છે અને કયા ક્લાસમાં જવું છે તેની જ માહિતી આપવાની રહેતી હોય છે. મુસાફર રોકડ દ્વારા કે ઓનલાઇન પેમેન્ટ કરીને ટિકિટ મેળવી શકે છે. આ સ્ટેપના કારણે ટિકિટ બારી પર થતી ભીડ ઓછી થઇ ગઇ છે.
ટ્રેન ઉપડે એ પહેલાં પ્લેટફોર્મ પર વધારે ભીડ ન થાય તે માટે સ્પેશિયલ પેસેન્જર હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવેલ છે. જ્યાં મુસાફરો ટ્રેન આવતા પહેલાં આરામથી બેસીને રાહ જોઈ શકે છે. મુસાફરોને અહીં તડકો ન લાગે તે માટે મંડપની સાથોસાથ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
છઠ પૂજા માટે જનારા મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે માટે ટિકિટ ચેકિંગ સ્ટાફને મલ્ટિ ટાસ્કિંગ ફોર્સમાં ફેરવી દેવાયો છે. આ સ્ટાફ ફક્ત ટિકિટ ચેકિંગ જ નથી કરતો પરંતુ મુસાફરોને જોઇતી તમામ પ્રકારની મદદ પણ પુરી પાડે છે. જેને જરૂર હોય તેનો સામાન ઉંચકવાથી માંડીને કોઇને માર્ગદર્શન આપવાનું, મુસાફરને તેની સીટ પર બેસાડવાનું કામ પણ કરતા હોય છે.
મુસાફરોની અવર જવર દરમિયાન કોઇ નાસભાગ ન થાય, કોઈ અવ્યવસ્થા ન સર્જાય, કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને નિયમોનું પાલન થાય તે માટે RPF, CRPF અને લોકલ પોલીસ વચ્ચે સંકલન સાધવામાં આવ્યું છે. સુરક્ષાકર્મીઓ સતત ખડે પગે ઊભા રહે છે.
છઠ પૂજા માટેની સ્પેશિયલ ટ્રેનને સુરતના બદલે ઉધના રેલવે સ્ટેશન પરથી રવાના કરવામાં આવે છે. આનું મુખ્ય કારણ એ છે કે, સુરત સ્ટેશન પર 4 જ પ્લેટફોર્મ છે જ્યારે ઉધના સ્ટેશન પર 6 પ્લેટફોર્મ છે. છઠ પૂજા સિવાય મુસાફરી કરનારો વર્ગ સુરતના પ્રમાણમાં ઉધના સ્ટેશન પર ઓછો હોય છે. આ બે મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મોટાભાગની સ્પેશિયલ ટ્રેનને ઉધનાથી ઉપાડવામાં આવી છે. આ એક સ્ટેપના કારણે દુર્ઘટના બનવાની સંભાવના ઓછી થઇ છે.
CPRO એ જણાવ્યું કે, આ વખતે દિવાળી અને છઠપૂજાને લઈને 2400 થી વધુ ટ્રેન પશ્ચિમ રેલવે નોટિફાઇડ કરવામાં આવેલ છે. માત્ર ઉધનાથી જ વાત કરીએ 417 થી વધારે સ્પેશિયલ ટ્રેન મોકલવામાં આવી છે. દરરોજ છ થી વધારે સ્પેશિયલ ટ્રેન રવાના થાય છે. અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ લોકો આ સ્પેશિયલ ટ્રેનનો લાભ લઈ ચૂક્યા છે. ખાસ કરીને ગયા રવિવારે સ્પેશિયલ ટ્રેનોમાં રેકોર્ડ બ્રેક 36 હજારથી વધુ લોકોએ મુસાફરી કરી હતી.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
