News of Saturday, 25th October 2025
સુરતના ભેસ્તાનમાં નજીવી બાબતે તલવારનાં ઘા ઝીંકી યુવકની હત્યા
મારા ભાઇને શું કામ કહીને ૪ વ્યકિતનો શકીલ ઉપર ખુની હુમલોઃ મોત

સુરતઃશહેરના ભેસ્તાન વિસ્તારમાં ગુરુવારની મધરાત્રે એક નાનકડા વિવાદમાંથી હત્યાની ગંભીર ઘટના બની હતી. ભીંડીબજાર વિસ્તાર નજીક આવેલ અલખલીલ ચા સેન્ટર પાસે ચાર શખ્સોએ "મારા ભાઈને ઠપકો આપ્યો" કહીને 18 વર્ષીય યુવકની તલવારનાં ઘા ઝીંકીને હત્યા કરી હતી અને પછી ફરાર થયા હતા. આ મામલે ભેસ્તાન પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી ચાર આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી અલગ-અલગ ટીમ બનાવી તેમની શોધખોળ આદરી છે.
સુરતનાં ભેસ્તારમાં વિસ્તારમાં ગુરુવારની રાત લોહિયાળ બની હતી. ભીંડીબજાર નજીક અલખલીલ ચા સેન્ટર પાસે ચાર શખ્સોએ 18 વર્ષીય યુવક શકીલ ઉર્ફે બાંગાની હત્યા કરી હતી અને પછી ફરાર થયા હતા. માહિતી અનુસાર, મૃતક યુવક શકીલ અને તેનો મિત્ર સોહિલ ઉર્ફે અલ્લુ ઉન ખાતેથી પસાર થઈ રહ્યા હતા, જ્યારે આરોપીઓ ઇમરોઝ, અરબાઝ, સલમાન અને શાહરૂખે તેમને રોક્યા હતા અને બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.
દરમિયાન, "મારા ભાઈને શા માટે ઠપકો આપે છે?" એવું કહીને આરોપીઓએ શકીલને તલવાર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનામાં સોહિલને પણ ઈજાઓ થઈ હતી, પરંતુ તે બચી ગયો. હત્યા બાદ ચારેય આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે. ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસની (Bhestan Police) ટીમ ત્યાં પહોંચી હતી અને યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી ચાર આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે અલગ-અલગ ટીમ બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
