<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

લાભ પાંચમે જ વડોદરામાં અષાઢી માહોલ: શિયાળાની દસ્તક પહેલાં કમોસમી 'માવઠું', વેપારીઓ ચિંતામાં

અરબી સમુદ્રના ડિપ્રેશનને કારણે ૧ નવેમ્બર સુધી વરસાદની આગાહી; તૈયાર પાકને નુકસાનની ભીતિ અને રોગચાળો વધવાની શક્યતાથી લોકો પરેશાન.

વડોદરા: વડોદરા શહેરમાં આજે ધંધાના શુભારંભના પર્વ લાભ પાંચમ ના દિવસે જ હવામાનનો અચાનક પલટો જોવા મળ્યો છે. શિયાળાની શરૂઆત થવાની તૈયારી છે, ત્યાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે કાતરક મહિનામાં અષાઢી માહોલ છવાયો છે. વહેલી સવારથી અસહ્ય બફારા બાદ અચાનક વરસાદી ઝાપટાં તૂટી પડતાં વડોદરાવાસીઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.
સયાજીગંજ, રાવપુરા, કારેલીબાગ, પાણીગેટ સહિત શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર અને જોરદાર વરસાદ નોંધાયો હતો. લાભ પાંચમના શુભ મુહૂર્ત માટે તૈયાર બેઠેલા વેપારીઓમાં અચાનક પડેલા વરસાદને કારણે ચિંતા જોવા મળી છે. ઘણા વેપારીઓએ વરસાદને કારણે પોતાની દુકાનો ખોલવામાં વિલંબ કર્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન વધુ સક્રિય બનવાની શક્યતા છે. તેથી આગામી ૧ નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ની આગાહી કરવામાં આવી છે, જેમાં વડોદરા જિલ્લાનો પણ સમાવેશ થાય છે.
શિયાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદના કારણે બે મુખ્ય ચિંતાઓ ઊભી થઈ છે:
1.  ખેતીના પાકને નુકસાન: જિલ્લામાં કપાસ, ડાંગર, મગફળી અને તલ સહિતના તૈયાર થયેલા અથવા લણણીના આરે આવેલા પાકોને નુકસાન થવાની ભીતિ છે. ખેતરમાં પડેલો લણાયેલ પાક ભીનો થવાથી ગુણવત્તા બગડશે.
2.  રોગચાળાની શક્યતા: આરોગ્યવિદોએ ચેતવણી આપી છે કે કમોસમી ઠંડી અને ભેજવાળા વાતાવરણમાં રોગચાળો વધવાની શક્યતા છે. ખાસ કરીને તાવ, ખાંસી, શરદી અને ડેન્ગ્યુ જેવા રોગોમાં વધારો થઈ શકે છે.
ખેડૂતો હાલમાં હવામાન સ્થિર રહેવાની પ્રાર્થના કરી રહ્યા છે, જ્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદી પ્રવૃત્તિની ચેતવણી આપી છે.

(11:23 AM IST)