<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

વડોદરામાં છઠ પૂજાના માહોલમાં ગમગીની: ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતાં યુવાન પુત્રનું કરુણ મોત, ત્રણ દાઝ્યા

સમા વિસ્તારની મનહર પાર્ક સોસાયટીમાં દુર્ઘટના: ૨૪ વર્ષીય વિશ્વજીત ગુપ્તાએ પરિવારના સભ્યોને બચાવવાનો પ્રયાસ કર્યો અને જીવ ગુમાવ્યો; ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં.

વડોદરા: વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી મનહર પાર્ક સોસાયટીમાં આજે એક અત્યંત કરૂણ ઘટના બની છે. છઠ પૂજાની ઉજવણીના ઉત્સાહ વચ્ચે ગુપ્તા પરિવાર માટે આ પર્વ દુઃખદ બની ગયો. મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ અચાનક મિની બ્લાસ્ટ થયો અને આગ લાગી, જેમાં પરિવારના ચાર સભ્યોને ગંભીર અસર થઈ.
સૌથી દુઃખદ વાત એ છે કે, ઘરમાં આગ લાગતી વેળાએ પરિવારના ૨૪ વર્ષીય પુત્ર વિશ્વજીત ગુપ્તાએ પોતાના સભ્યોને બચાવવા માટે પ્રયાસ કર્યો, પરંતુ તે દુર્ભાગ્યવશ આગની ઝપેટમાં આવી ગયો અને તેનું કરુણ મોત નીપજ્યું.
બ્લાસ્ટની ઘટનામાં પરિવારના અન્ય ત્રણ સભ્યો — રાજકિશોર ગુપ્તા, રીટા ગુપ્તા અને પ્રિયંકા ગુપ્તા — ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસે વિશ્વજીત ગુપ્તાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળ પર ગેસ લીકેજના ચોક્કસ કારણ અંગે તપાસ કરી રહ્યા છે. આ દુઃખદ ઘટનાને પગલે સોસાયટીમાં શોકનો માહોલ છવાયો છે.

(1:19 PM IST)