News of Sunday, 26th October 2025
બનાસ ડેરીના ચેરમેન પદે શંકર ચૌધરી સતત ત્રીજીવાર બિનહરીફ : ભાવાભાઈ રબારી વાઇસ ચેરમેન યથાવત
કુલ 16 બેઠકોમાંથી 15 બેઠકો બિનહરીફ થઈ. માત્ર દાંતા બેઠક પર જ ચૂંટણી યોજાઈ જ્યાં ભાજપના ઉમેદવાર અમરતજી પરમારનો ભવ્ય વિજય થયો હતો.

એશિયાની સૌથી મોટી સહકારી સંસ્થા બનાસ ડેરીમાં નેતૃત્વની સ્થિરતા વધુ એકવાર પ્રસ્થાપિત થઈ છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીની બનાસ ડેરીના ચેરમેન પદે સતત ત્રીજીવાર બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ સાથે, વાઇસ ચેરમેન પદે ભાવાભાઈ રબારીને પણ રિપીટ કરવામાં આવ્યા છે, જેમના નામ પર નિયામક મંડળે સર્વસંમતિથી મહોર મારી છે. આ વરણી બનાસ ડેરીના ઇતિહાસમાં સ્થિર અને મજબૂત નેતૃત્વની પરંપરાને વધુ સુદૃઢ બનાવે છે, જે સંસ્થાના ભાવિ વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ વખતની બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણી પ્રક્રિયા સહકારી ક્ષેત્રે પ્રવર્તતી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. કુલ 16 બેઠકોમાંથી 15 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. માત્ર દાંતા બેઠક પર જ ચૂંટણી યોજાઈ હતી, જ્યાં ભાજપના સત્તાવાર ઉમેદવાર અમરતજી પરમારનો ભવ્ય વિજય થયો હતો. દાંતા બેઠક પર શરૂઆતમાં પાંચ ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાંથી બે ઉમેદવારોએ પાછા ખેંચી લીધા હતા. અંતે, ભાજપ સમર્થિત ઉમેદવાર સામે દિલીપસિંહ બારડ મેદાનમાં રહેતા ચૂંટણી યોજાઈ હતી, જેમાં અમરતજી પરમાર ડિરેક્ટર પદે વિજયી બન્યા અને નિયામક મંડળમાં સ્થાન મેળવ્યું છે.
શંકરભાઈ ચૌધરી છેલ્લા 10 વર્ષથી બનાસ ડેરીના ચેરમેન પદ પર કાર્યરત છે અને હવે તેમને વધુ અઢી વર્ષ માટે આ જવાબદારી સોંપવામાં આવી છે. બનાસ ડેરીની સ્થાપના સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલે કરી હતી, જેઓ પ્રથમ ચેરમેન હતા. ત્યારબાદ દલુંભાઈ દેસાઈ અને લાંબા સમય સુધી (22 વર્ષ) પરથીભાઈ ભટોળ ચેરમેન રહ્યા હતા. ચેરમેન ઉપરાંત ડેરીમાં 16 ડિરેકટરો પણ છે, જેઓ ડેરીના વહીવટ અને વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
બનાસ ડેરીએ તેની સ્થાપનાથી અત્યાર સુધીમાં અનેક અપ્રતિમ સિદ્ધિઓ હાંસલ કરી છે, જે તેને દેશની અગ્રણી સહકારી સંસ્થાઓમાં સ્થાન અપાવે છે. ગુજરાત સહિત દેશના 8 રાજ્યોમાં તેનો કાર્યવિસ્તાર ફેલાયેલો છે. આ ડેરીએ બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં લાખો મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે અને તેમના જીવનધોરણને ઊંચું લાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. હાલમાં, બનાસ ડેરી સાથે 3 લાખ 76 હજારથી વધુ સભાસદો જોડાયેલા છે અને તેનું વાર્ષિક ટર્નઓવર 15 હજાર કરોડ રૂપિયાથી પણ વધુ છે.
પશુપાલકો માટે બનાસ ડેરી એક વરદાન સમાન છે, જ્યાં દરરોજના 35 કરોડ રૂપિયા પશુપાલકોના ખાતામાં સીધા જમા થાય છે. ડેરીમાં દૈનિક 80 લાખ લીટર દૂધનું સંકલન થાય છે. પર્યાવરણ સુરક્ષા અને નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં પણ બનાસ ડેરીએ પહેલ કરી છે, જેમાં ગોબરમાંથી CNG ગેસ પ્લાન્ટની સંકલ્પનાને સાકાર કરવામાં આવી છે.
શ્વેતક્રાંતિની જેમ "સ્વીટક્રાંતિ" માં પણ કામ કરીને 350 ટન મધનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે, બનાસ ડેરીના પશુપાલકોએ દેશની પ્રથમ મેડિકલ કોલેજ બનાવીને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ વરણીથી ડેરીના વિકાસ અને પશુપાલકોના કલ્યાણના કાર્યોને વધુ વેગ મળશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
