<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણી પ્રચારનો કોંગ્રેસ દ્વારા ધમધમાટ શરૂ

આવતી કાલે ખોડલધામ ખાતે ધજા ચડાવી પ્રચારના શ્રી ગણેશઃ મુકુલ વાસનિક-અમિત ચાવડા સૌરાષ્‍ટ્રમાં : મંગળવારે મોરબીમાં આગેવાનો સાથે બેઠક અને જન આક્રોશ સભાનું આયોજન

 

 

અમદાવાદ તા.ર૭ :  વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની જીત બાદ આપની વધતી સક્રિયતાને જોતા, હવે કોંગ્રેસે પણ પાટીદાર મતદારોને આકર્ષવાના પ્રયાસો તેજ કર્યા છે. આ પ્રયાસના ભાગરૂપે, કોંગ્રેસ આગામી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની ચૂંટણીની તૈયારીના શ્રીગણેશ આવતી કાલે ખોડલધામ ખાતેથી કરશે.   તે પૂર્વ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તથા અમિત ચાવડા અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી તથા મુકુલ વાસનિક આજે સોમવારે રાજકોટમાં પત્રકારોને સંબોધી રહયા છે અને બપોરે ૧ વાગે શહેરના અગ્રણીઓ સાથે પ્રીતિ ભોજન રાખ્‍યું છે.

 કોંગ્રેસ દ્વારા પાટીદારોની આસ્‍થાનું કેન્‍દ્ર એવા ખોડલધામમાં ખોડિયાર માતાના દર્શન કરી ધજા ચઢાવવામાં આવશે. આ સાથે જ સૌરાષ્‍ટ્રના કોંગ્રેસના તમામ દિગ્‍ગજ નેતાઓ, પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પાટીદાર સમાજના આગેવાનો સાથે એક મહત્‍વપૂર્ણ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. કોંગ્રેસનું આ પગલું ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીની ‘નવસર્જન યાત્રા'ની યાદ તાજી કરાવે છે, જેની શરૂઆત પણ સૌરાષ્‍ટ્રથી થઈ હતી અને જેમાં ખોડલધામના દર્શનનો સમાવેશ કરાયો હતો. આ રીતે કોંગ્રેસે ફરી એકવાર ‘ટેમ્‍પલ પોલિટિક્‍સ'નો સહારો લીધો છે.

ખોડલધામના કાર્યક્રમ પહેલા આજે સોમવારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક રાજકોટના નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં પોલિટિકલ અફેર્સ કમિટી સાથે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી માટેના ઉમેદવારો અંગે ચર્ચા કરાશે. આ ઉપરાંત, મતદારો સુધી પહોંચવાના મુદ્દાઓ અંગે પણ ચર્ચા થશે. સાંજે જનઆક્રોશ સભાનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.ઉપરાંત અત્‍યારે સવારે ૧૧ાા વાગે શ્રી મુકુલ વાસનિક અને શ્રી અમિત ચાવડાએ પત્રકાર પરીષદનું પણ અયોજન કર્યુ છે.

નોંધનીય છે કે, ભૂતકાળમાં શ્રી શક્‍તિસિંહ ગોહિલના રાજીનામા બાદ પાટીદાર નેતાઓએ પ્રદેશ પ્રમુખ પાટીદાર સમાજમાંથી બનાવવાની માંગ કરી હતી. જોકે, શ્રી અમિત ચાવડા (ઓબીસી સમાજ)ના પ્રમુખ પદે નિમણૂક થતાં પાટીદાર નેતાઓમાં નારાજગી જોવા મળી હતી, જેના કારણે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી પહેલા તેમને રિઝવવા કોંગ્રેસ માટે અનિવાર્ય બની ગયું હોવાનું મનાય છે. સૌરાષ્‍ટ્રમાં પાટીદારોની નારાજગી કોંગ્રેસને મોટું નુકસાન પહોંચાડી શકે તેમ હોવાથી, આ વખતે કોંગ્રેસે સૌરાષ્‍ટ્રને વધુ મહત્‍વ આપીને પ્રચારની શરૂઆત ત્‍યાંથી કરી  હોવાનું દૈનિક જાગરણનો હેવાલ નોંધે છે.

ખોડલધામના કાર્યક્રમ બાદ, ૨૮મીની સાંજે બોટાદમાં કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું છે, જેના દ્વારા સરકારથી નારાજ ખેડૂતોને રિઝવવાનો પ્રયાસ કરાશે. ર૯ મીએ મોરબીમાં પણ જિલ્લા પોલિટિકલ કમિટી સાથે બેઠક અને ત્‍યારબાદ જનઆક્રોશ સભા યોજાશે. અંતે, ૩૦મીએ અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ અને સંગઠન સાથે પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બેઠક યોજશે, જેમાં સંગઠનને મજબૂત કરવાના અને સંભવિત ફેરફારો અંગે ચર્ચા કરવામાં આવશે.(૬.ર)

(10:42 AM IST)