તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 28th October 2025
માવઠું ખેડૂતોને રડાવશે, શાકભાજી, કઠોળ, બાગાયતી પાકમાં સડો પેઠો
લાખો હેક્ટરમાં કપાસ અને મગફળીનો પાક તબાહ : જો હજુ વરસાદ વરસશે તો કોબી, ફલાવર, રીંગણ સહિત અન્ય શાકભાજીમાં ઇયળ- જીવજંતુનો ઉપદ્રવ વધે તેવી ભીતિ

અમદાવાદ તા.૨૮: છેલ્લાં બે ચાર દિવસથી વરસતા વરસાદે ખેતીને વ્યાપક નુકશાન પહોચાડયુ છે. માવઠાને લીધે લાખો હેક્ટરમાં કપાસ અને મગફળીનો પાક બગડી રહ્યો છે. આ ઉપરાંત કઠોળ, બાગાયતી પાક ઉપરાંત શાકભાજીમાં સડો થાયતેવી સ્થિતી પરિણમી છે. કૃષિ નિષ્ણાતોનુ માનવું છેકે, જો હજુ પણ કમોસમી વરસાદ વરસશે તો ખેડૂતોને વધુ આર્થિક નુકશાન ભોગવવુ પડશે. આ સંજોગોમાં રાજ્ય સરકારે સેટેલાઈટના માધ્યમથી નુકસાનીના સર્વે કરી તાકીદે ખેડૂતોને વળતર આપવુ જોઇએ તેવી માંગ ઉઠી છે.
ગુજરાતના હવામાનમાં ભારે પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદે ઉભા ખેતરોમાં પાકને નુકશાન કર્યુ છે. હાલ લાખો હેક્ટરમાં કપાસ ઉપરાંત મગફળીનો પાક ઉભો છે જે તો સડી જવાની સ્થિતિમાં છે. હજુ એક થી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તો મોટાભાગના વેલાની શાકભાજી નાશ પામશે તેવી ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ, કોબી, ફલાવર, રીંગણ જેવી શાકભાજીમાં ભેજભર્યા વાતાવરણને લીધે વરસાદી પાણીમાં ભીંજાતા બગડી જાય તેવી સ્થિતીમાં છે. આ ઉપરાંત કઠોળના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. ‘શાકભાજીમાં વાલોળ, દુધી અને તુરીયા ઈયળ અને જીવજંતુ નો ઉપદ્રવ વધી જશે. માત્ર મગફળી, કપાસ અને શાકભાજીને જ નહીં, બાગાયતી પાકને પણ ઘણું નુકશાન પહોચ્યુ છે. ખાસ કરીને કેળાના પાકને નુકશાન થયાના અહેવાલ સાંપડ્યાં છે જેમકે, બજારમાં ડઝન કેળોનો ભાવ રૂા.૫૦-૬૦ બોલાઈ રહ્યો છે જ્યારે ખેડૂતો પાસેથી રૂા.૧૦૦-૧૪૦ સુધીમાં ૨૦ કિલો કેળા ખરીદવામાં આવે છે. એટલે રૂા.૫-૭ કિલોના ભાવે કેળા ખરીદાય છે. ટૂંકમાં, ખેડૂતોનું સરેઆમ શોષણ કરવામાં આવી રહ્યુ છે. મજબૂરવશ ખેડૂતો ખેતઉત્પાદનનો પુરતો ભાવ પણ મેળવી શકતાં નથી. ગુજરાતમાં હવે પાક વીમા યોજના સરૂ કરવા ખેડૂતોએ માંગ કરી છે. નોધનીય છેકે, ગુજરાતમાં આ યોજના બંધ કરી દીધી છે. ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદના મારથી બેહાલ ખેડૂતોને માંડકળવળી ત્યાં ફરી આર્થિક માર સહન કરવાનો વારો આવ્યાં છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
