તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 28th October 2025
પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓ ખોડલધામ ખાતે મા ખોડલના દર્શને પહોંચ્યા:'જન-આંદોલન'ના શ્રીગણેશ
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી મુકુલ વાસનિક, પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી, સાંસદ,ગેનીબેન જેની ઠુમર અને કોંગ્રેસના આગેવાન લલિત વસોયા સહિતના દિગ્ગજ નેતાઓ દર્શન અને ધજા-પૂજાના કાર્યક્રમમાં હાજર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓએ ખોડલધામ ખાતે મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી મુકુલ વાસનિક, પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી, સાંસદ,ગેનીબેન જેની ઠુમર અને કોંગ્રેસના આગેવાન લલિત વસોયા સહિતના દિગ્ગજ નેતાઓ દર્શન અને ધજા-પૂજાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
આ મુલાકાતને કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં જનતાના પ્રશ્નોને લઈને થનારા આંદોલનની શરૂઆત ગણાવવામાં આવી હતી. કોંગ્રેસ નેતા લલિત વસોયાએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ મુલાકાત સૌરાષ્ટ્રના ખેડૂતો અને ગરીબોની મુશ્કેલીઓને વાચા આપવા માટેના આંદોલનના શ્રીગણેશ છે.
કોંગ્રેસ આગેવાન લલિત વસોયાએ મીડિયાને જણાવ્યું કે, આજે પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, પ્રભારી મુકુલ વાસનિકજી, તુષારભાઈ ચૌધરી અને પરેશભાઈ ધાનાણી સહિતના સૌ આગેવાનો મા ખોડલના દર્શને આવ્યા છીએ. આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના ખેડૂતો, ગામડાઓ અને ગરીબોની જે મુશ્કેલીઓ છે, તેના માટેના આંદોલનાત્મક કાર્યક્રમના અહીંથી શ્રી ગણેશ કરવાના છીએ.
બીજી તરફ, પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, નવા વર્ષના શુભ દિવસે તેઓ માતાજીના આશીર્વાદ લેવા આવ્યા છે. તેમણે કહ્યું કે, સમગ્ર ગુજરાતના વંચિત, પીડિત લોકોનો અવાજ બનવા માટે કોંગ્રેસ પક્ષ સંકલ્પબદ્ધ છે. મા ખોડલ ભવાની અમને સૌને પ્રજાની પીડાનો અવાજ બનવા માટે ખૂબ શક્તિ આપે એ જ પ્રાર્થના. જોકે, જ્યારે પરેશ ધાનાણીને કોઈ રાજકીય બેઠક અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે તેમની જાણમાં એવું કંઈ નથી અને આ મુલાકાત માત્ર મા ખોડલની પૂજા-અર્ચના અને વંદન માટે જ છે.
કોંગ્રેસના ટોચના નેતાઓની આ ખોડલધામ મુલાકાત અને આંદોલનની જાહેરાતથી આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આ ઘટનાક્રમ રાજ્યના રાજકીય માહોલને વધુ તેજ બનાવશે તેમ મનાઈ રહ્યું છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
