<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું :આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

કાલે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદની શક્યતા: અનેક જિલ્લામાં વરસાદની સંભાવના

અમદાવાદ :અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર આવ્યો છે અને હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની પણ સંભાવના છે. આજે 29 ઓક્ટોબરના રોજ અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, બોટાદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

આવતીકાલે 30 ઓક્ટોબરના રોજ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની આગાહી છે. 31 ઓક્ટોબરના દિવસે પણ વરસાદનું જોર યથાવત રહેશે. દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ જ્યારે જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે.

 

વરસાદની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે અને પોર્ટ પર LCS-3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં પણ આ દિવસો દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

(9:18 PM IST)