હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદના સાણંદ વિસ્તારમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું : શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોને ભારે આઘાત લાગ્યો : ડાંગરના પાકને મોટાપાયે નુકસાન
તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે અને નુકસાન પામેલા ખેડૂતોને સહાય મળે : સાણંદ-બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલે તાત્કાલિક પગલા લેવાની માંગ સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો

અમદાવાદ તા.૨૯
સાણંદ વિસ્તારમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. સાણંદ તાલુકા સહિતના આસપાસના વિસ્તારોમાં ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોને ભારે આઘાત લાગ્યો છે. અચાનક પડેલા કમોસમી વરસાદથી ખાસ કરીને સાણંદના આજુબાજુ ગામોમાં ડાંગરના પાકને મોટાપાયે નુકસાન થયું છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ ઘણા ખેતરોમાં ડાંગરનો પાક સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો હતો તો ક્યાંક વાવણી થઈ ચૂકી હતી તો ક્યાંક પૂળા વાળીને રાખેલા હતા. અનેક વિસ્તારોમા પાણી ભરાઈ જવાથી સંપૂર્ણ પાક બગડી ગયો છે.
માવઠાના કારણે ખેડૂતો હેરાન પરેશન થઇ ગયા છે. વરસાદને કારણે અનેક જગ્યાએ ઉભો પાક જમીન દોસ્ત થઇ ગયો છે. જેના કારણે ઉપજમાં ભારે ઘટાડો થવાની શક્યતા છે. એક ખેડૂતે આક્રંદભર્યા શબ્દોમાં જણાવ્યું કે, “હાથમાં આવેલ કોળિયો છીનવાઇ ગયો છે. ખેડૂતોની મહેનત બરબાદ થઈ ગઈ. આખું વર્ષ પરસેવો વહાવ્યો, હવે આખું ધૂળ થઇ ગયું છે. ખેડૂતોની આ હાલતને ધ્યાનમાં રાખીને સાણંદ-બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલે તાત્કાલિક પગલા લેવાની માંગ સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
ધારાસભ્યએ સરકારને અપીલ કરી છે કે સાણંદ અને આસપાસના વિસ્તારોમાં પાક નુકસાનનો તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે અને નુકસાન પામેલા ખેડૂતોને સહાય મળે તેવી વિનંતી કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં વરસાદ ચાલુ રહેશે તો નુકસાનનો વ્યાપ વધુ વધી શકે છે. ખેડૂતો હવે સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે કે તેમને યોગ્ય સહાય અને વળતર મળે જેથી ફરીથી ઉભા થઈ શકે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
