<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

મોડીસાંજે ધરોઈ ડેમમાંથી 2,000 ક્યુસેક પાણી છોડાયું: નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા

જો ઉપરવાસમાંથી પાણીની આવક વધશે, તો ડેમમાંથી છોડવામાં આવનાર પાણીના જથ્થામાં વધારો થવાની શક્યતા

મહેસાણા ખાતે આવેલા ધરોઈ ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સાંજે 7:00 કલાકે ડેમમાંથી 2,000 ક્યુસેક પાણી ડેમની હેઠવાસમાં છોડવામાં આવ્યું છે.

ઉપરવાસમાં પાણીની આવક વધતાં અને વર્તમાન 'રુલ લેવલ' જાળવી રાખવાના હેતુસર મહેસાણા ખાતે આવેલા ધરોઈ ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સાંજે  7:00 કલાકે ડેમમાંથી 2,000 ક્યુસેક પાણી ડેમની હેઠવાસમાં (નીચાણવાળા વિસ્તારોમાં) છોડવામાં આવ્યું છે. કાર્યપાલક ઇજનેર, ધરોઈ મુખ્યબંધ વિભાગ નં-1 દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. 

ધરોઈ ડેમની જળસપાટી 622.01 ફૂટ (189.590 મીટર) નોંધાઈ હતી. ડેમનું ચાલુ માસનું 'રુલ લેવલ' 622 ફૂટ (189.585 મીટર) જાળવી રાખવાનો હોય છે. આ નિયત સપાટી જાળવવાના હેતુસર વધારાનું પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. વહીવટી તંત્રએ જણાવ્યું છે કે જો ઉપરવાસમાંથી પાણીની આવક વધશે, તો ડેમમાંથી છોડવામાં આવનાર પાણીના જથ્થામાં વધારો થવાની શક્યતા પણ છે.

ધરોઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે ડેમની હેઠવાસમાં આવતા નદીકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોને સાવચેતીના પગલારૂપે એલર્ટ કરવામાં આવ્યા છે

 


 

(11:27 PM IST)