તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th October 2025
વડોદરા સહિત ગુજરાતના 4 રેલવે સ્ટેશનો પર 'હોલ્ડિંગ એરિયા' બનશે: ભીડ નિયંત્રણ માટે રેલવે મંત્રીની મંજૂરી
રેલવે સ્ટેશનો પર થતી મુસાફરોની ભારે ભીડ અને અવ્યવસ્થાને નિયંત્રિત કરવા મંત્રી એ એક મોટી યોજનાને મંજૂરી આપી

અમદાવાદ : તહેવારો દરમિયાન રેલવે સ્ટેશનો પર થતી મુસાફરોની ભારે ભીડ અને અવ્યવસ્થાને નિયંત્રિત કરવા માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ એક મોટી યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ, દેશભરના 76 રેલવે સ્ટેશનો પર ખાસ ‘હોલ્ડિંગ એરિયા’ બનાવવામાં આવશે, જેમાં ગુજરાતના ચાર મુખ્ય સ્ટેશનો નો સમાવેશ થાય છે.
દિલ્હીમાં રેલવે મંત્રીના અધ્યક્ષતામાં યોજાયેલી એક બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. ગુજરાતના જે ચાર રેલવે સ્ટેશનો પર આ હોલ્ડિંગ એરિયા બનાવવાની મંજૂરી મળી છે, તેમાં નીચેના સ્ટેશનોનો સમાવેશ થાય છે. વડોદરા, અમદાવાદ, સુરત, ઉધના.
આ હોલ્ડિંગ એરિયા ખાસ કરીને દિવાળી અને છઠ જેવા મોટા તહેવારો દરમિયાન મુસાફરોની સંખ્યા અચાનક વધી જવાથી સર્જાતી ભીડ અને અવ્યવસ્થા ને નિયંત્રિત કરવા માટે ઉપયોગી નીવડશે. નવા સિસ્ટમ મુજબ, મુસાફરોને ટ્રેનના આગમન સમય અનુસાર હોલ્ડિંગ એરિયામાં રોકી રાખવામાં આવશે અને ટ્રેન પ્લેટફોર્મ પર આવવાના નિર્ધારિત સમય અનુસાર જ તેમને પ્લેટફોર્મ પર જવા દેવામાં આવશે. આ વ્યવસ્થાથી પ્લેટફોર્મ પર થતી અનિયંત્રિત ભીડ પર નિયંત્રણ રહેશે, જેનાથી મુસાફરોની સલામતી અને સગવડતામાં વધારો થશે. રેલવે વિભાગ દ્વારા લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે કે આ હોલ્ડિંગ એરિયા વર્ષ 2026ની દિવાળી અગાઉ બનીને તૈયાર થઈ જાય, જેથી આગામી તહેવારોમાં મુસાફરોને તેનો લાભ મળી શકે. આ યોજના ભારતીય રેલવેના મુસાફરી અનુભવને સુરક્ષિત અને વધુ વ્યવસ્થિત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
