News of Friday, 31st October 2025
ગોંડલની રાજનીતીમાં વળાંક આવશે ? જીગીશા પટેલની ‘આપ'માં એન્ટ્રી
અરવિંદ કેજરીવાલ, ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, ચેૈતર વસાવાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા

રાજકોટ, તા., ૩૧ : ગોંડલની રાજનીતિમાં બદલાવની હવામાં હવે વધુ તેજી આવી છે. પાટીદાર સમાજના જાણીતા ચહેરા જીગીષા પટેલે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી નવી રાજકીય ઈનિંગની શરૂઆત કરી છે.
ગોંડલ સહિત સૌરાષ્ટ્રના પાટીદાર સમુદાયમાં પોતાની આગવી ઓળખ ધરાવતા જીગીષા પટેલ બુધવારે આમ આદમી પાર્ટી (AAP) સાથે સત્તાવાર રીતે જોડાયા છે. રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર આવેલા ફાર્મ હાઉસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં તેમને AAP નો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
જીગીષા પટેલે જણાવ્યું હતું કે, હું વર્ષોથી સમાજ માટે લડી રહી છું. વડીલોનું કહેવું હતું કે જનસેવાનું કામ રાજકારણમાં વધુ સારી રીતે થઈ શકે. તે કારણે મેં AAP માં જોડાવાનો નિર્ણય કર્યો છે. હવે પરિવર્તનનો સમય આવી ગયો છે. જીગીષા પટેલ પાટીદાર સમાજની કુર્મી સેનાની મહિલા અધ્યક્ષ છે અને સમાજના મુદ્દાઓને લઈને તેઓ સક્રિય અભિયાન ચલાવતા રહે છે. ગોંડલમાં અલ્પેશ કથિરિયા સાથે મળીને તેમણે સ્થાનિક રાજનીતિમાં મજબૂત હાજરી દર્શાવી, જેનાથી AAP ને પાટીદાર મતબેંકમાં નવો લાભ મળવાની શકયતા વધી છે.
એક તરફ ખેડૂતોના મુદ્દે ગુજરાતમાં AAP નું મહાસંમેલન યોજાય છે ત્યારે જ આ જોડાણને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માને ગુજરાતમાં પ્રવેશ કરતાં જ કહ્યું કે, ૩૭ વર્ષ પહેલાં કોંગ્રેસે ખેડૂતો સામે અન્યાય કર્યો હતો અને એ જ ભૂલ હવે ભાજપ કરી રહી છે. ખેડૂતોનો સાચો અવાજ હવે AAP બનશે. ગોંડલની રાજનીતિમાં આ વિકાસને AAP નો માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવી રહ્યો છે, જે આવતા સમયમાં સ્થાનિક રાજકીય સમીકરણોને બદલતા જોવા મળી શકે છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
