તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st October 2025
સાયલા પાસે ‘‘આપ'' ના કેજરીવાલની ઉપસ્થિતીમાં કિસાન મહા પંચાયત
કડદાપ્રથા અને ખેડૂતો ઉપર થયેલ અત્યાચારના વિરોધમાં આક્રોશ ઠાલવશેઃ ભગવંત માન, ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા સહિતના ઉપસ્થિત

રાજકોટ તા.૩૧: આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ સહ પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, પ્રદેશ પ્રવક્તા વિક્રમ દવે, સુરેન્દ્રનગર લોકસભા ઈન્ચાર્જ અમળત મકવાણા અને સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ મયુર સાકરીયા કડદાપ્રથા અને ખેડૂતો પર થયેલા અત્યાચારના વિરોધમાં કિસાન મહાપંચાયત સુદામડા ગામ સાયલા- પાળીયાદ હાઈવે, તાઃસાયલા, જીઃ સુરેન્દ્રનગર ખાતે આજે બપોરે ૨:૦૦ વાગે યોજાઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વાંટાવચ્છ ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા એક ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપંચાયત બોટાદ માર્કેટિંગ યાર્ડની કડદા પ્રથા અને ખેડૂતો પર થતા અત્યાચારના વિરોધમાં યોજાઈ રહી છે.
આ મહાપંચાયતમાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સહિતના અગ્રણી નેતાઓ હાજર રહેશે. સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ મયુર સાકરીયા સહિતના આગેવાનોએ કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી છે. મામલતદારની પરવાનગી સાથે આયોજિત આ કાર્યક્રમ માટે સંભવિત વરસાદના ભયને ધ્યાનમાં રાખીને વોટરપ્રૂફ ડોમ અને સઘન પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માહિતી જિલ્લા પ્રમુખ મયુરભાઈ સાકરીયાએ આપી હતી.
આ મહાપંચાયતમાં સુરેન્દ્રનગર જિલ્લાના તેમજ આસપાસના વિસ્તારોમાંથી અંદાજિત ૨૫,૦૦૦ થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહેવાની અપેક્ષા છે. તેમનો મુખ્ય ઉદ્દેશ કડદાપ્રથાને નાબૂદ કરવાનો છે. ખેડૂતો ‘‘જય જવાન, જય કિસાન'' ના સૂત્રોચ્ચાર સાથે આ પ્રથા સામે અવાજ ઉઠાવશે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
