તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st October 2025
રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 74 તાલુકામાં વરસાદ : સૌથી વધુ અમરેલીના રાજુલામાં 3 ઇંચથી વધુ ખાબક્યો
જાફરાબાદમાં 1.57 ઇંચ,તળાજામાં 1.1 ઇંચ વરસાદ: ઉના, મહુવા, ગણદેવી,વાપી, ઉમરગામ, પારડી સહિત 71 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પડી રહી છે. હવામાન વિભાગે હજુ 6 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન આજે 31 ઓક્ટોબરે રાજ્યના 74 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના રાજુલામાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે.
ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, આજે શુક્રવારે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 74 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલીના જાફરાબાદમાં 1.57 ઇંચ, ભાવનગરના તળાજામાં 1.1 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગીર સોમનાથના ઉના, ભાવનગરના મહુવા, નવસારીના ગણદેવી, વલસાડના વાપી, ઉમરગામ, પારડી સહિત 71 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે.
અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમના કારણે છેલ્લા 6 દિવસથી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમ સૌરાષ્ટ્રના વેરાવળ નજીક પહોંચતા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચોમાસામાં પડે તેવો વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન પણ થયું છે. જો કે રાહતની વાત એ છે કે, આ સિસ્ટમ હાલ નબળી પડી ગઈ છે. જો કે ગુજરાતથી દૂર નથી ગઈ, જેના પરિણામે આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં ગુજરાત નજીક આવી હતી, જ્યાં નબળી પડીને લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે. હાલ આ સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ ઘણી નબળી પડી ગઈ છે, પરંતુ તે ગુજરાતના દરિયા કાંઠે જ છે. આ સિસ્ટમના કારણે 1 નવેમ્બર સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. ખાસ કરીને ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તાર જેમ કે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જેવા જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે. આ 6 જિલ્લાઓમાં અડધાથી દોઢ ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
