તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
ખેડૂતોની પડખે સરકાર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના તાત્કાલિક નિર્દેશો : કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાનનો ઉદારતાથી સર્વે કરાશે
કિસાનહિત લક્ષી અભિગમ સાથે ધરતીપુત્રોને ઉદારતમ મદદ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : પાછલા બે દાયકામાં ન થયા હોય તેવા વરસાદથી થયેલા નુકસાનની ત્વરાએ સમીક્ષા કરવા સીએમએ ગાંધીનગરમાં યોજી ઉચ્ચસ્તરીય બેઠક

ગાંધીનગર, તા. ૧ નવેમ્બર, ૨૦૨૫ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને અસામાન્ય વાતાવરણના પલટાને કારણે ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી છે. તેમણે ધરતીપુત્રોની આ આપદાના સમયે તેમની પડખે મજબૂતીથી ઊભા રહેવાના સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે.
રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં કમોસમી વરસાદ થયો છે, જેના પરિણામે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાનહિત લક્ષી અભિગમ થી ખેડૂતોની સહાયતા માટેની નેમ રાખે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર એ બાબત માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે કે પાછલા બે દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી. તેથી, આ વર્ષના વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, તેની ત્વરાએ સમીક્ષા-સર્વે કરીને ધરતીપુત્રોને ઉદારતમ મદદ આપવામાં આવે.
ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં તાત્કાલિક ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં તેમણે રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકસાનના સર્વે સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા માટે જણાવ્યું હતું.
આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને સંબંધિત જિલ્લાઓના નુકસાનની વિગતો પૂરી પાડી હતી.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, મહેસૂલ વિભાગના મુખ્ય સચિવ ડૉ. જયંતી રવી, નાણાં વિભાગના અગ્રસચિવ ટી. નટરાજન તેમજ મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ અને સચિવ ડૉ. વિક્રાંત પાંડે પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમ માહિતી ખાતાની એક યાદીમાં જણાવાયું છે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
