News of Saturday, 1st November 2025
'યુપીએસસી' ના માપદંડો પર GPSC નું અયોગ્ય પ્રદર્શન : મુખ્ય પરીક્ષા લીધાના બે વર્ષ બાદ પણ ક્લાસ-૧ અને ક્લાસ-૨ નું પરિણામ જાહેર ન થતા ઉમેદવારોમાં ભારે રોષ
GPSC ની પરિણામ પ્રક્રિયામાં અસાધારણ વિલંબ : જે સમયમાં UPSC સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી અધિકારીઓની નિમણૂક કરે, તેટલો સમય માત્ર મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં લાગ્યો : ૧૦,૦૦૦ જેટલા ઉમેદવારો માનસિક તાણ હેઠળ

ગાંધીનગર, તા. ૧ નવેમ્બર, ૨૦૨૫ : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) ની પરીક્ષા પ્રક્રિયા તેની લાંબી અને જટિલ પ્રકૃતિ માટે જાણીતી છે, પરંતુ હવે તેના પરિણામોમાં થતા અસાધારણ વિલંબથી GPSC ની કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઊભા થયા છે. GPSC દ્વારા ક્લાસ-૧ અને ક્લાસ-૨ ની મુખ્ય પરીક્ષા લીધાના બે વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, તેના પરિણામો હજી સુધી જાહેર કરવામાં આવ્યા નથી.
GPSC ના ચેરમેને અગાઉ કમિશનને UPSC ના માપદંડો પર અપગ્રેડ કરવા, સિલેબસમાં સુધારો કરવા અને પરીક્ષા પદ્ધતિઓ સુધારવાની વાત કરી હતી, પરંતુ પરિણામ પ્રક્રિયાની ગતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી.
UPSC સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરે તેટલો સમય માત્ર પરિણામમાં
ઉમેદવારો તેમની હતાશા વ્યક્ત કરતાં જણાવે છે કે, GPSC ને માત્ર મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં જે સમય લાગી રહ્યો છે, તેટલા સમયગાળામાં UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) તેની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી દે છે – જેમાં અધિકારીઓની અંતિમ પસંદગી અને ઇન્ડિયન સિવિલ સર્વિસમાં તેમની નિમણૂક સુધીની પ્રક્રિયાઓ શામેલ હોય છે. આ ડિજિટલ યુગમાં આટલો મોટો વિલંબ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
ભરતી પ્રક્રિયાનું ટાઇમલાઇન
GPSC ની આ ભરતી પ્રક્રિયા નીચે મુજબ લાંબો સમય લઈ રહી છે:
* અરજી ફોર્મ ભરવાની શરૂઆત: ઓગસ્ટ ૨૦૨૩
* પ્રિલિમિનરી પરીક્ષા: જાન્યુઆરી ૨૦૨૪
* મુખ્ય પરીક્ષા (Mains): ઓક્ટોબર ૨૦૨૪
* પરિણામ જાહેર: હજી સુધી નહીં (મુખ્ય પરીક્ષા બાદ એક વર્ષથી વધુ સમય વીતી ગયો)
હાલમાં, લગભગ ૧૦,૦૦૦ ઉમેદવારો પરિણામ જાહેર ન થવાને કારણે ભારે માનસિક તાણ હેઠળ છે અને તેમની કારકિર્દીના આગામી પગલાં અંગે અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
