<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

આગામી ત્રણ દિવસ માટે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી :પોરબંદરથી અમદાવાદ સુધી યલો એલર્ટ

અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કર્યું: માછીમારોને દરિયો ન ખેડવાની પણ ચેતવણી

અમદાવાદ :ગુજરાતમાં ફરી એકવાર હવામાનના બદલાતા મિજાજે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગે રાજ્ય માટે આગામી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી અરબ સાગરમાં બનેલા ડિપ્રેશનને કારણે વાતાવરણમાં ભેજ વધતા હવે વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ છે. 

હવામાન વિભાગ દ્વારા અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને પોરબંદર જિલ્લાઓમાં આગામી દિવસોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં છૂટો-છવાયો થી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત અને બોટાદ જેવા મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન નબળું પડ્યું છે, જેના કારણે થોડી રાહત મળી છે, પરંતુ તેની અસર હજુ પણ રાજ્યના કિનારાના વિસ્તારોમાં જોવા મળી શકે છે. સલામતીના ભાગરૂપે બંદરો પર નંબર 3નું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. એટલે કે સમુદ્ર કિનારાઓ પર હજી પણ સાવચેતી રાખવી જરૂરી છે.

આગામી દિવસોમાં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ખાસ કરીને તટીય વિસ્તારોમાં પવનની તીવ્રતા વધવાની શક્યતા છે. હવામાન વિભાગે તમામ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. સમુદ્રમાં ભારે મોજા ઉઠવાની શક્યતા હોવાથી દરિયાકાંઠા પાસેના વિસ્તારોમાં પ્રશાસન એલર્ટ પર છે. 

હવામાન વિભાગના આદેશ મુજબ, વરસાદ મુખ્યત્વે સાંજના કે રાત્રિના સમયે છૂટો-છવાયો સ્વરૂપે પડશે. ઘણા વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ પડવાની શક્યતા પણ છે. જોકે, હાલ કોઈ ગંભીર ચક્રવાતની સ્થિતિ નથી, પરંતુ હવામાનમાં અચાનક ફેરફાર થવાથી લેકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. 

રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા ખેડૂતો અને માછીમારોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. અને દરિયો ન ખેડવાની પણ સુચના આપવામાં આવી છે. વરસાદી સિસ્ટમ નબળી પડી હોવા છતાં, આગામી ત્રણ દિવસ માટે સતર્કતા અને સાવચેતી રાખવી અનિવાર્ય ગણાઈ રહી છે.

(7:02 PM IST)