<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

વાજબી ભાવની દુકાનદારોની ૧૧ માગણીઓ પર સરકારનો હકારાત્મક પ્રતિભાવ : અન્ન વિભાગે તાત્કાલિક અમલ માટે કચેરીઓને આપી લેખિત સૂચના

વહિવટી તંત્ર અને સપ્લાય વિભાગને આદેશ: કુલ ૨૦ માગણીઓ પૈકી મોટા ભાગના મુદ્દાઓ પર સકારાત્મક વલણ દાખવ્યું : વાવાઝોડાની સ્થિતિ વચ્ચે ૩.૫ કરોડ લાભાર્થીઓને તાત્કાલિક અનાજ વિતરણ કરવા દુકાનદારોને સરકારનો આગ્રહભર્યો અનુરોધ

ગાંધીનગર : રાજ્યના વાજબી ભાવની દુકાનોના એસોસિયેશનની પડતર માગણીઓના સંદર્ભમાં, સરકારે ગ્રાહકો અને દુકાનદારો બંનેના હિતમાં તાત્કાલિક અને હકારાત્મક પગલાં લીધા છે.
તાજેતરમાં, તારીખ ૨૫/૧૦/૨૦૨૫ના રોજ વાજબી ભાવની દુકાનના એસોસિયેશન દ્વારા કરાયેલી રજૂઆતના સંદર્ભે, આજે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ ખાતે એસોસિયેશનના પ્રતિનિધિઓ સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી.
બેઠકના મુખ્ય નિર્ણયો:
આ બેઠકમાં એસોસિયેશનના આવેદનપત્રમાં સમાવિષ્ટ કુલ ૨૦ માગણીઓ પૈકી, ૧૧ જેટલા મુખ્ય મુદ્દાઓ પર વિભાગ દ્વારા હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો છે. આ ૧૧ મુદ્દાઓ પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માટે વિભાગ દ્વારા સંબંધિત કચેરીઓ તેમજ જિલ્લા કક્ષાના વહીવટી તંત્ર અને પુરવઠા તંત્રને લેખિતમાં સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ પગલાથી દુકાનદારોની લાંબા સમયથી પડતર માગણીઓનો ઝડપથી નિકાલ આવવાની સંભાવના છે.
નવેમ્બર માસનું વિતરણ સઘન બનાવવા પર ભાર:
સરકારના સઘન પ્રયાસોના ભાગરૂપે, મોટા ભાગના સસ્તા અનાજના દુકાનદારોએ નવેમ્બર માસના વિતરણ માટે ચલણ ભરવાની કામગીરી પૂર્ણ કરી દીધી છે. આ વિતરણ પ્રક્રિયાને વધુ સઘન બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી NFSA (રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ) લાભાર્થીઓની યોજનાનો લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચે.
માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં, લાભાર્થીઓ તેમજ સસ્તા અનાજના દુકાનદારોના હિતમાં અનેક મહત્ત્વના પગલાં લેવામાં આવ્યા છે.
વાવાઝોડાની સ્થિતિ વચ્ચે અપીલ:
જાહેર હિત અને રાજ્યમાં પ્રવર્તમાન સાંપ્રત વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સરકાર દ્વારા એક ખાસ અને આગ્રહભર્યો અનુરોધ કરવામાં આવ્યો છે.
NFSA હેઠળ નોંધાયેલા ૩.૫ કરોડ જેટલા લાભાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને, બાકી રહેલા વાજબી ભાવની દુકાનદારોને તાત્કાલિક ધોરણે વિતરણ સંબંધિત ચલણની કામગીરી પૂર્ણ કરવા અને નાણાંની ભરપાઈ કરવા માટે વિનંતી કરવામાં આવે છે, જેથી વિપરીત હવામાન પરિસ્થિતિમાં પણ જરૂરિયાતમંદ પરિવારોને સમયસર અનાજ મળી રહે, તેમ રાજ્ય માહિતીખાતાની એક યાદીમાં જણાવાયું છે.

 

(7:47 PM IST)