<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

સાબરકાંઠામાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું :પીડાની કરુણતા આસુંઓમાં વહેતી થઇ

તૈયાર પાક પર કમોસમી વરસાદે જે કેર વર્તાવ્યો છે, તે માત્ર આર્થિક નુકસાન નથી, પણ એક પરિવારનું સ્વપ્ન તૂટ્યું

સાબરકાંઠા જ્યાં ખેડૂતોની મહેનત પાણીમાં નહીં, પણ આંસુમાં વહી ગઈ છે. તૈયાર પાક પર કમોસમી વરસાદે જે કેર વર્તાવ્યો છે, તે માત્ર આર્થિક નુકસાન નથી, પણ એક પરિવારનું સ્વપ્ન તૂટ્યું છે.

 સાબરકાંઠા જિલ્લાના, ખાસ કરીને તલોદ તાલુકાના ખેતરોમાં મગફળી, કપાસ, સોયાબીન અને ડાંગર જેવા તૈયાર પાકની લણણી ચાલી રહી હતી. બસ, થોડા દિવસોની વાત હતી અને ખેડૂતોની મહેનત સફળ થવાની હતી. પરંતુ અચાનક કમોસમી વરસાદ ત્રાટક્યો અને ખેતરમાં બધું જ વેરવિખેર કરી નાખ્યું.

ખેડૂતોએ રાત-દિવસ એક કરીને, લોહીનું પાણી કરીને પાક તૈયાર કર્યો હતો. એક વીઘા પાછળ મોંઘા ખાતર, બિયારણ અને દવાઓ સહિત 30 થી 35 હજાર રૂપિયાનો જંગી ખર્ચ કર્યો હતો. આ ખર્ચ પણ દેવું કરીને માંડ માંડ પૂરો કરાયો હતો. પણ આજે પરિસ્થિતિ એવી છે કે, આ ખર્ચ પાછો મેળવવો તો દૂર, ખેતરમાંથી પાકનો એક પણ દાણો ઘેર લઈ જઈ શકાય તેમ નથી. મહેનત શૂન્ય થઈ ગઈ છે, અને માથે દેવાનો ડુંગર ઊભો છે. ખેડૂતને રાતા પાણીએ રડવા સિવાય હવે કોઈ વિકલ્પ નથી બચ્યો. ખેડૂતો પર કુદરતનો આ ઘા એકમાત્ર નથી. આ તો દુઃખની પરંપરા છે. આ જ ખેડૂતોએ ઉનાળામાં કમોસમી વરસાદને કારણે બાજરીનો પાક ગુમાવ્યો હતો. ચોમાસાની શરૂઆતમાં ભારે વરસાદને લીધે મગફળીનું આગોતરું વાવેતર પણ નિષ્ફળ ગયું હતું. સતત ત્રીજી સિઝન નિષ્ફળ જતાં ખેડૂતોની આર્થિક કમર સાવ તૂટી ગઈ છે.

હજુ એક મોટો સવાલ સામે ઊભો છે. ખેડૂતો આ પાક વેચીને જ રવિ સિઝન માટે ખાતર અને બિયારણનો ખર્ચ કાઢવાના હતા. હવે પાક જ ન હોવાથી, આગામી વાવેતર સામે પણ મોટું સંકટ ઊભું થયું છે. સાથે જ, ભાગમાં ખેતી કરતા શ્રમિકોની મહેનત પણ પાણીમાં ગઈ છે, જેમનો હિસ્સો પણ હવે નથી મળવાનો. આ અન્નદાતા પાસે હવે એક જ આશા છે, અને તે છે રાજ્ય સરકાર. હવે જોવાનું એ છે કે, સરકાર ખેડૂતોની આ વેદનાને કેટલી ગંભીરતાથી લે છે.

સાબરકાંઠાના ખેતરોમાં આજે પાક નહીં, પણ ખેડૂતોની નિષ્ફળ આશાઓ ઊભી છે. દેવું, નિરાશા અને બેકારીના આ વાતાવરણમાં, ખેડૂતોની નજર ફક્ત રાહત પેકેજ પર ટકેલી છે. સમયસર સર્વે અને યોગ્ય વળતર જ તેમને આ સંકટમાંથી બહાર કાઢી શકશે. ત્યારે હવે જોવું એ રહ્યું કે, સરકાર હવે ખેડૂતોને ક્યારે અને કેવા પ્રકારની મદદ કરે છે.

(10:47 PM IST)