<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

ખેડૂતલક્ષી સંવેદનશીલતા! માવઠાથી ત્રાહિમામ ખેડૂતોને રૂપાણી સરકારનો સૌથી મોટો સધિયારો

કમોસમી વરસાદના વ્યાપક નુકસાન બાદ CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ટૂંક સમયમાં જ 'રાહત-સહાય પેકેજ' જાહેર થશે; સર્વેની કામગીરી પૂરજોશમાં!

ગાંધીનગર: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદ (માવઠા) ને કારણે ખેડૂતોના ઊભા પાકને થયેલા વ્યાપક નુકસાન બાદ રાજ્ય સરકારે ત્વરિત અને સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુદ ટ્વીટ દ્વારા ખેડૂતોની પડખે ઊભા રહેવાની ખાતરી આપી છે અને જાહેરાત કરી છે કે, અસરગ્રસ્ત ધરતીપુત્રો માટે આગામી દિવસોમાં ઝડપથી રાહત-સહાય પેકેજ જાહેર કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ કર્યું કે, કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે છે. તેમણે જણાવ્યું:
 ત્વરિત સર્વે: પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી તંત્ર દ્વારા અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે.
 મંત્રીઓના પ્રત્યક્ષ પ્રવાસ: રાજ્યના મંત્રીઓએ ખુદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે અને મુખ્યમંત્રી પોતે અધિકારીઓ સાથે સતત સંકલનમાં છે.
 સર્વોચ્ચ પ્રાધાન્ય: ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર આ નુકસાનમાં આર્થિક સહાયરૂપ થવા કટિબદ્ધ છે.
મુખ્યમંત્રીની આ જાહેરાત બાદ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ત્વરિત કાર્યવાહી બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આ નિર્ણયને 'પ્રો-એક્ટિવ નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ' ગણાવ્યો હતો.
આ ઉપરાંત, કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ મુખ્યમંત્રીના સંવેદનશીલ અભિગમ અને નુકસાન સામે ખેડૂતમિત્રોને હાલાકી ન પડે તે માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરવાના નિર્ણય બદલ ગુજરાતના ખેડૂતો વતી આભાર વ્યક્ત કર્યો હતો.
આ ઝડપી રાહત પેકેજની જાહેરાતથી કમોસમી વરસાદના કારણે આર્થિક નુકસાન સહન કરનાર ગુજરાતના લાખો ખેડૂતોને મોટો સધિયારો મળ્યો છે.

(1:55 PM IST)