તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd November 2025
આણંદમાં પત્નીએ રિસાઈને ઘર છોડતા પતિ વિરહમાં 400kv વીજ પોલ પર ચઢી ગયો
મોડી રાતે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ દોડતી થઈ હતીઃ યુવકનું સુરક્ષિત રીતે રેસ્ક્યુઃ લોકોએ રાહતના શ્વાસ લીધો

આણંદ: પ્રેમ અને વિરહની વેદનાના તમે આજ સુધી અનેક કિસ્સાઓ સાંભળ્યા હતા, આવો જ એક વિચિત્ર કિસ્સો ગઈકાલે મોડી રાતે આણંદમાંથી સામે આવ્યો છે. જ્યાં પત્નીના ઘર છોડીને જવાના દુઃખમાં એક પતિએ 400 kv વીજ લાઈનના 60 મીટર ઊંચા પોલ પર ચઢી ગયો હતો, અને પોતાનો જીવ જોખમમાં મૂકી સ્થાનિક લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.
જોકે ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ અને ગ્રામ્ય પોલીસની ટીમે દોડતી થઈ હતી અને યુવકને સુરક્ષિત નીચે ઉતારતા મોટી દૂર્ઘટના સર્જાતા રહી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદના ગાના-દેવરાજપુરા રોડ પર આ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવકની પત્ની રિસાઈને ઘર છોડીને ચાલી ગઈ હતી, જેથી આ યુવકને પત્નીના વિરહની વેદના સહન ન થતા તે ખુલ્લા ખેતરમાં જઈને 400kv વીજ પોલ પર ચઢી ગયો હતો. મોડી રાત્રે આ યુવક ઇલેક્ટ્રિક હાઈટેન્શન લાઈનના 60 મીટર ઊંચા ટાવર પર ચઢી ગયો હતો, જેની જાણ થતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ વીજ પોલ પર યુવકને જોઈને તમામના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિકોએ તરત જ આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડને ફોન કરીને આખી ઘટનાની જાણ કરી હતી. કોઈ દૂર્ઘટના ન બને તે માટે પોલીસે પહેલાથી જ 400 kv હાઈ ટેન્શન લાઈનનો વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરાવી દીધો હતો અને મોડી રાતે ફાયર બ્રિગેડની ટીમ તથા પોલીસ દોડતી થઈ ઘટના સ્થળે પહોંચીને યુવકનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.
ફાયર બ્રિગેડની ટીમના જવાનોએ ઘટનાની પરિસ્થિતિ જોતા સુરક્ષાને ભાગરૂપે પહેલાથી નીચે મોટી જાળી રાખીને રેસ્ક્યુની તૈયારી શરૂ કરી હતી અને બાદમાં રેસ્ક્યુ ટીમનો એક કર્મી પોતે વીજ પોલ પર ચઢ્યો હતો અને યુવકને શાંતિથી સમજાવીને તેના શરીરે દોરડું બંધાવી દીધું હતું, જે બાદ એક કલાકોની મહેનત બાદ યુવકને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યો હતો, જેથી સ્થાનિકોએ અંતે રાહતના શ્વાસ લીધા હતા.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
