<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

સરદાર ૧૫૦ : 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ના સંદેશ સાથે કરમસદથી કેવડિયા સુધી ૧૫૦ કિલોમીટરની ભવ્ય રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન

૨૬ નવેમ્બરથી ૬ ડિસેમ્બર સુધી યોજાનારી પદયાત્રા સરદાર પટેલના જીવન-કવનને જન જન સુધી પહોંચાડશે : કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુદ્રઢ આયોજન પર ભાર મૂક્યો : NDDB ખાતે મહત્વની બેઠક યોજાઈ

આણંદ: ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે, આગામી ૨૬ નવેમ્બરથી ૬ ડિસેમ્બર દરમિયાન કરમસદથી કેવડિયા સુધીની લગભગ ૧૫૦ કિલોમીટર લાંબી 'યુનિટી માર્ચ: એક ભારત શ્રેષ્ઠ ભારત' રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભવ્ય રાષ્ટ્રીય પદયાત્રાના સુચારુ આયોજન માટે આણંદ સ્થિત NDDB ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા તથા કેન્દ્રીય રાજ્ય મંત્રી રક્ષા નિખિલ ખડસે પ્રેરક ઉપસ્થિતિમાં રહ્યા હતા. આ બેઠકમાં મંત્રીમંડળના અન્ય મંત્રીઓ અને સનદી અધિકારીઓ પણ જોડાયા હતા, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
સરદારના વિચારોને જન જન સુધી પહોંચાડવાનો ઉદ્દેશ
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ બેઠકમાં જણાવ્યું કે, સરદાર પટેલે દેશની આઝાદી અને આઝાદી બાદ ભારતની એકતા અને અખંડિતતા માટે આપેલા યોગદાનને જન જન સુધી પહોંચાડવા માટે આ રાષ્ટ્રીય પદયાત્રા એક અસરકારક માધ્યમ બની રહેશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આ પદયાત્રા સરદાર પટેલના વિચારોને અનુરૂપ સાદગીનું પ્રતિક બની રહેવી જોઈએ, જેમાં સ્વચ્છતાની સાથે આત્મનિર્ભર ભારતની છબી ઉજાગર થાય તે જરૂરી છે.
મનસુખભાઈ માંડવિયાએ માર્ગદર્શન આપતા જણાવ્યું કે, પદયાત્રા જે ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થાય તેના સપ્તાહ અગાઉ NSS (નેશનલ સર્વિસ સ્કીમ) ના વિદ્યાર્થીઓ દ્વારા સરદાર પટેલના જીવન-કવનથી લોકોને માહિતગાર કરવામાં આવે. તેમજ પદયાત્રા દરમિયાન સંબંધિત ગામના વરિષ્ઠ વ્યક્તિઓથી માંડીને ગામના વિકાસમાં સહભાગી બનેલા નાનામાં નાના માણસને સન્માનવા જોઈએ.
જન ભાગીદારી અને સાંસ્કૃતિક કાર્યક્રમો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન આપતા જણાવ્યું કે, પદયાત્રા સાથે જન જન જોડાય તેવું આયોજન થવું જોઈએ. રાત્રિ પડાવના સ્થળોએ સ્થાનિક કલાકારો દ્વારા સરદાર પટેલના જીવન-કવન પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવે તે ઇચ્છનીય છે. તેમણે વિદ્યાર્થીઓ, યુવાઓ અને અબાલવૃદ્ધ સૌ કોઈ આ યાત્રામાં સહભાગી બને તેવા આયોજન સાથે શાળાઓમાં સરદાર વિશે નિબંધ અને ક્વિઝ સ્પર્ધા યોજવા પણ સૂચન કર્યું.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પદયાત્રા દરમિયાન પ્રત્યેક ગામમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે પ્રદર્શન સ્ટોલ અને સ્વચ્છતા અભિયાનના સંદેશ લોકોને મળે તે જોવા જણાવ્યું. તેમણે પદયાત્રાના રૂટમાં આવતા ગામોના પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા ખેડૂતોને સન્માનવાનું સૂચન પણ કર્યું.
બેઠકમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી રક્ષા નિખિલ ખડસે, રાષ્ટ્રીય મહાસચિવ સુનિલ બંસલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, ગુજરાત પ્રદેશ મહામંત્રી રત્નાકરજી, જિલ્લા અગ્રણી સંજ્યભાઈ પટેલ, કેન્દ્રીય યુવા અને રમતગમત સચિવ પલ્લવી જૈન સહિતના મહાનુભાવોએ પદયાત્રાના રૂટ, જન ભાગીદારી, રાત્રિ નિવાસ, ભોજન, સરદાર સ્મૃતિ વનનું નિર્માણ, 'એક પેડ મા કે નામ' અંતર્ગત ૫૬૨ વૃક્ષોનું વાવેતર, સ્વચ્છતા અને સ્વદેશી જેવા મુદ્દાઓ પર વિચારો અને સૂચનો રજૂ કર્યા.
બેઠકના પ્રારંભમાં રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી રાષ્ટ્રીય પદયાત્રાની વિસ્તૃત રૂપરેખા આપી.
બેઠક બાદ મંત્રીઓ અને મહાનુભાવોએ કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસસ્થાનની મુલાકાત લીધી અને તેમની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને ભાવાંજલિ અર્પણ કરી.
આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી, નાણાં રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો યોગેશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, માહિતી નિયામક કે. એલ. બચાણી, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સહિત વડોદરા, ખેડા, નર્મદા જિલ્લાના કલેક્ટર અને વિવિધ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(5:29 PM IST)