News of Sunday, 2nd November 2025
હિંમતનગર સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારીનો આક્ષેપ : સામાન્ય સર્જરી બાદ બાળક 22 દિવસથી કોમા જેવી સ્થિતિમાં
દીકરાને ન્યાય અપાવવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે પરિવારે આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

સાબરકાંઠા જિલ્લાના તલોદના જેઠાજીના મુવાડા ગામના પાંચ વર્ષીય બાળક હર્ષરાજસિંહ ઝાલા ને 22 દિવસ અગાઉ હિંમતનગરની GMERS સિવિલ હોસ્પિટલ ખાતે ગુપ્તાંગના ભાગે સામાન્ય સર્જરી માટે દાખલ કરવામાં આવ્યો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ સર્જરી પહેલા બાળકની સ્થિતિ સામાન્ય હતી, પરંતુ ૧૫-૩૦ મિનિટની સામાન્ય સર્જરીને બદલે આશરે બે કલાકથી વધુ સમય સુધી સર્જરી ચાલી હોવાનો તેમનો આક્ષેપ છે.
સર્જરી બાદ બાળકની તબિયત અચાનક લથડી અને તે બેભાન અવસ્થામાં ગયું. આજે 22 દિવસ વીતી ગયા હોવા છતાં બાળક કોમા જેવી ગંભીર સ્થિતિમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી બાળકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં પ્રાથમિક તારણ એવું મનાય છે કે સિવિલ હોસ્પિટલમાં તબીબોની બેદરકારી ને કારણે બાળક કોમામાં ગયો છે.
હસતા-રમતા બાળકને આ સ્થિતિમાં જોઈને માતા-પિતા સહિત સમગ્ર પરિવાર આઘાતમાં છે અને GMERS સિવિલ હોસ્પિટલના તબીબો સામે તીવ્ર રોષ વ્યક્ત કરી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે ગુપ્તાંગની સામાન્ય સર્જરી દરમિયાન થયેલી બેદરકારીને કારણે તેમનો દીકરો વેન્ટિલેટર પર છે.
આ મામલે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષકે બાળકની તબિયત સર્જરી બાદ લથડી હોવાનું સ્વીકાર્યું છે, પરંતુ જવાબદાર તબીબોનો બચાવ કરી રહ્યા હોવાનો પરિવારનો આક્ષેપ છે. પરિવારે આ અંગે આરોગ્ય વિભાગમાં લેખિત રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી બાળકના સ્વાસ્થ્ય મામલે કોઈ યોગ્ય પગલાં કે જવાબદાર તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી નથી.
પોતાના દીકરાને ન્યાય અપાવવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે પરિવારે આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. હાલમાં માતા-પિતા સહિત સમગ્ર પરિવાર ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે તેમનો પાંચ વર્ષીય હર્ષરાજસિંહ ઝાલા કોમામાંથી બહાર આવીને ફરીથી "મમ્મી" કહીને તેમને પોકાર કરે.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
