<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

તાત્કાલિક વિતરણ શરૂ કરવા અને સહયોગ આપવા માટે અગ્ર સચિવ મોના ખંધારનો વાજબી ભાવના દુકાનદારોને અનુરોધ

દુકાનદારોના એસોસિએશન દ્વારા રજૂ કરાયેલા ૨૦ માંથી ૧૧ મુદ્દાઓ સરકારે તુરંત સ્વીકાર્યા : અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે શ્રીમતી મોના ખંધારની અધ્યક્ષતામાં બેઠક : બાકીના નીતિ વિષયક પ્રશ્નો પર સકારાત્મક પ્રક્રિયા ચાલુ

અમદાવાદ : અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ મોના ખંધારની અધ્યક્ષતામાં અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાજબી ભાવના દુકાનદારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
વિતરણ પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવા અપીલ
આ બેઠકમાં દુકાનદારો સાથે સંવાદ સાધતાં મોના ખંધારે વાજબી ભાવના દુકાનદારોને તાત્કાલિક ધોરણે વિતરણ પ્રક્રિયા શરૂ કરવા તથા જરૂરિયાતમંદ લોકોને સમયસર અનાજ અને ખાદ્ય સામગ્રી પહોંચાડવા માટે અપીલ કરી હતી.
અગ્ર સચિવે જણાવ્યું કે, મુખ્યમંત્રી તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી દ્વારા વિવિધ એસોસિયેશનના પ્રશ્નો બાબતે હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું છે.
૨૦માંથી ૧૧ મુદ્દાઓ તાત્કાલિક સ્વીકારાયા
મોના ખંધારે વધુમાં જણાવ્યું કે, સરકારે એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલા ૨૦ મુદ્દાઓમાંથી ૧૧ મુદ્દાઓ તાત્કાલિક સ્વીકારી લીધા છે. બાકીના મુદ્દાઓ નીતિ વિષયક છે, જે અંગેની પ્રક્રિયા ચાલી રહી છે, અને તેનું હકારાત્મક પરિણામ ટૂંક સમયમાં આવી જશે.
અગ્ર સચિવે ચલણ ભરીને કામગીરી શરૂ કરનાર વાજબી ભાવના દુકાનદારોનો આભાર માનીને જણાવ્યું કે, જરૂરિયાતમંદ લોકોની સેવા કરવામાં આપણે સૌ સહયોગી છીએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, હાલની વાવાઝોડાની સ્થિતિમાં સામાન્ય લોકોને સમયસર અનાજ પૂરું પાડવાની આપણી જવાબદારી આપણે સૌ સારી રીતે નિભાવીશું.
તેમણે ઉમેર્યું હતું કે, જાહેર વિતરણ વ્યવસ્થાની બાબતે ગુજરાત અગ્રેસર રહ્યું છે અને 'વન નેશન, વન રાશન' થી લઈને અનેક બાબતોમાં રાજ્યમાં સારી કામગીરી ચાલી રહી છે.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર સુજીત કુમારે પણ વાજબી ભાવના દુકાનદારોને ચલણ ભરવા અને વિતરણની કામગીરી નિયમિત કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામક મયૂર મહેતા, સંયુક્ત નિયામક ચેતન ગાંધી, નિવાસી અધિક કલેકટર ભાવિન સાગર, ફૂડ કંટ્રોલર વિમલ પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી દિન્તા કથીરિયા સહિતના અધિકારીઓ તેમજ વાજબી ભાવના દુકાનદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

(9:01 PM IST)