તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
સાંજે જંબુસરમાં ધોધમાર વરસાદથી ચોમાસા જેવો માહોલ : કમોસમી માવઠાથી ખેડૂતોની ચિંતા વધી
જંબુસર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદ

દક્ષિણ ગુજરાતના ભરૂચમાં હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. જિલ્લાના જંબુસર શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે ધોધમાર વરસાદનું આગમન થયું છે. જેના કારણે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. બપોર બાદ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને થોડા જ સમયમાં જંબુસરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. જંબુસર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનરાધાર વર્ષા થઈ હતી.
અચાનક વરસેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને રસ્તાઓ પર પાણીની રેલમછેલ જોવા મળી હતી. આ કમોસમી વરસાદને પગલે જંબુસર પંથકના ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. ખેતરોમાં હાલમાં તૈયાર થયેલો ડાંગર, કપાસ, અને શાકભાજીના પાકને વરસાદને કારણે મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને લણણી માટે તૈયાર થયેલા પાક પર પાણી પડવાથી તેની ગુણવત્તા બગડે છે અને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે.
વાતાવરણમાં આવેલા આ અણધાર્યા પલટાથી જ્યાં એક તરફ લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે, ત્યાં બીજી તરફ ખેડૂતોના મોઢાના કોળિયા છીનવાઈ જવાની ભીતિએ માવઠાના મારથી બચાવવા માટે સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગણી કરી છે. આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના હોવાથી ખેડૂતો પાક બચાવવાના પ્રયત્નોમાં લાગી ગયા છે.
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
