તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 4th November 2025
કુલદીપ શર્માને રાહતઃ ભુજ કોર્ટની સજા સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે
કચ્છના ઇભલા શેઠને માર મારવાના ૪૧ વર્ષ જૂના કેસમા ભુજ કોર્ટ, હાઇકોર્ટમાં અરજી નામંજૂર થયા બાદ સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૪: વર્ષો જૂના કેસ નો અને હાલ ચકચારી બનેલ કુલદીપ શર્માના કેસનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ૬/૫/૧૯૮૪ નો ૪૧ વર્ષ જૂનો આ કેસ છે.
જેમાં જે તે સમયે કચ્છમાં ડીએસપી તરીકે અસામાજિક તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરનાર અને બાદમાં સમગ્ર ગુજરાતમાં સુપર કોપ તરીકે જાણીતા થયેલા પોલીસ અધિકારી કુલદીપ શર્મા સામે કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. ૬/૫/૮૪ ના કોંગ્રેસના કચ્છના ધારાસભ્યો ખરાશંકર જોશી, જયકુમાર સંઘવી સાથે એ સમયના કોંગ્રેસી આગેવાનો ગાભુભા જાડેજા, શંકર જોશી, હાજી ઈબ્રાહિમ મંધરા ઉર્ફે ઇભલા શેઠ ત્યારે ડીએસપી તરીકે કાર્યરત કુલદીપ શર્મા પાસે નલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં હેરાનગતિ થતી હોવાની રજૂઆત માટે ગયા હતા. એ સમયે કુલદીપ શર્માએ પ્રતિનિધિ મંડળ સાથે ગેર વર્તન કરી ઈભલા શેઠ ગેરકાયદે ગોંધી રાખી માર માર્યો હતો. એ અંગે કુલદીપ શર્મા તેમ જ એલસીબી પીએસઆઈ ગિરીશ વસાવડા સામે કોર્ટ ફરિયાદ કરાઈ હતી. ૪૧ વર્ષ જૂના આ કેસમાં હાલ ભુજ સેશન્સ કોર્ટે કુલદીપ શર્મા અને ગિરીશ વસાવડાને દોષિત જાહેર કરી ત્રણ ત્રણ મહિનાની જેલ અને એક હજારનો દંડ ફટકારતી સજા જાહેર કરી હતી. તેની સામે કુલદીપ શર્મા અને ગિરીશ વસાવડા બંનેએ કરેલ અપીલની અરજી ભુજ કોર્ટમાં નામંજૂર થઈ હતી. ત્યાર બાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાની કાર્યવાહી સામે તેમ જ ભુજ કોર્ટના હુકમ સામે તેમણે હાઇકોર્ટમાં કરેલ અરજી ૧૩/૧૦ ના નાંજૂર થતાં તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. સુપ્રીમ કોર્ટમાં સજાના હુકમને મોકૂફ રાખવા તેમ જ જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવા ધરપકડ વોરન્ટને મોકૂફ રાખવા સામે કુલદીપ શર્મા અને ગિરીશ વસાવડાએ અરજી કરી હતી. જે અરજી અનુસંધાને સુપ્રીમ કોર્ટે હાલ સ્ટે આપ્યો છે.
જોકે જે તે સમયે ૧૯૮૦ થી ૧૯૯૦ ના દાયકામાં કચ્છમાં દાણચોરીનો ધંધો ચર્ચામાં હતો. એ દૂષણને ડામવા કડક બાહોશ પોલીસ અધિકારી કુલદીપ શર્માને નિયુક્ત કરાયા હતા. હાજી ઈબ્રાહિમ મંધરા સામે કાયદેસર કોઈ કેસ પુરવાર થયો નહોતો પરંતુ તેમનું ઈભલા શેઠ તરીકેનું નામ ભારે જાણીતું હતું. તેઓ રાજકીય અને સામાજિક વર્ચસ્વ ધરાવતા હતા.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
