<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

ગોડાઉનથી દુકાન સુધી પહોંચતા અનાજના જથ્‍થાનું બેવાર વજન કરાશે

પૂરવઠાં વિભાગે પરિપત્ર કરતાં હવે ગોડાઉન સંચાલકોએ ફરજિયાત બેવાર વજન કરવું પડશે

અમદાવાદ તા.૪:  પૂરવઠાં વિભાગના ગોડાઉનમાંથી દુકાન સુધી પહોંચતા અનાજના જથ્‍થાનું બેવાર વજન કરવાનું રહેશે. પૂરવઠાં વિભાગે પરિપત્ર કરતાં હવે ગોડાઉન સંચાલકોએ ગોડાઉનમાંથી નિકળે ત્‍યારે અને બીજી વખત સસ્‍તા અનાજની દુકાન પર પહોંચે ત્‍યારે એમ ફરજિયાત બેવાર વજન કરીને ડિલિવરી ચલણમાં નોંધ કરવાની રહેશે. બીજીતરફ સસ્‍તા અનાજના દુકાન સંચાલકોને ચાલુ મહિનાના જથ્‍થા માટે પરમીટ જનરેટ કરવા ઉચ્‍ચઅધિકારીઓનું દબાણ છે. આમ છતાં પડતર માંગો નહીં સ્‍વીકારાય ત્‍યાં સુધી પરવાનેદારોએ પરમીટ જનરેટ કરવા કે જથ્‍થાનું વિતરણ કરવાનો સાફ ઇન્‍કાર કર્યો છે. ૧૭ હજાર દુકાનો માટે ૩જી નવેમ્‍બર ચલણ જનરેટ કરવાની અંતિમ તારીખ હતી, છતાં ચલણ જનરેટ નહીં કરાતા વિવાદ વકર્યો છે. સહકારી છતાં પડતર માંગ મંડળીઓ સાથે જોડાયેલા પરવાનેદારો પર સબંધિત વિભાગ દ્વારા દબાણ કરાઈ રહ્યું છે. પૂરવઠાં વિભાગના ગોડાઉનમાંથી દુકાન સુધી પહોંચતા અનાજ સહિતના જથ્‍થામાં વારંવાર ઘટ રહેતી હોવાની ફરિયાદો ઉઠી છે. ખરેખર તો તોલમાપ વિભાગના અધિકારીની જવાબદારી છે. પરંતુ તોલમાપ વિભાગના સ્‍થાનિક અધિકારી કામગીરી તો કરતાં નથી. સાથો સાથે માહિતી પણ છુપાવે છે. અરજદારોને પોતાની ફરિયાદ અંતર્ગત માહિતી લેવા આરટીઆઇ ઉપયોગ કરવો પડે તેવી સ્‍થિતીમાં અનાજના ગોડાઉનમાં તપાસની વાત તો દૂર રહી. પરવાનેદારોની ઢગલાં બંધ ફરિયાદો બાદ વિભાગે છેક હવે પરિપત્ર કર્યો કે, ગોડાઉનમાંથી ધંઉં, ચોખા, ચણા અને ખાંડ સહિતનો જથ્‍થો સસ્‍તા અનાજની દુકાન પર પહોંચે ત્‍યારે દુકાનદારની હાજરીમાં વજન કરવાનું રહેશે. જો જથ્‍થામાં ઘટ હશે તો જથ્‍થો પરત મોકલાવી શકશે. વજન કર્યાની ડિલીવરી ચલણમાં નોંધ કરવાની રહેશે. જેનો ત્‍વરિત અમલ કરવાનો રહેશે. બીજીતરફ પડતર માંગણીઓ નહીં સ્‍વિકારવાના લીધે સસ્‍તા અનાજની દુકાનોમાં વિતરણ વ્‍યવસ્‍થા બંધ છે. રેશનકાર્ડધારકો ધક્કા ખાઈ રહ્યા છે. દિવાળીના તહેવારો પછી કાર્ડધારકોને દેવોની દિવાળી ફિકી રીતે પસાર કરવી પડે તેવી સ્‍થિતી સર્જાઇ છે

(10:26 AM IST)