તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
સર્વે પૂર્ણ થતાવેંત રાહત સહાય પેકેજ જાહેર કરાશેઃ ભુપેન્દ્રભાઇ પટેલ
મુખ્યમંત્રી કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ગીર સોમનાથ જીલ્લાના વિસ્તારોના ખેડૂતોની પડખે ઉભા રહ્યાઃ પાક નુકસાનીનું સ્થળ-સ્થિતિનું નિરીક્ષણ કર્યુ - ધરતી પુત્રોની વિતક સંવેદનાપૂર્વક સાંભળી : રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલી નુકસાનીના સર્વે માટે મુખ્યમંત્રીના દિશાનિર્દેશમાં યુદ્ધના ધોરણે સર્વેની કામગીરીઃ રાજ્યના : લગભગ ૭૦ ટકા જેટલા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ - ૪૮૦૦થી વધુ ટીમો સર્વે કામગીરીમાં જોડાઈઃ બાકીના અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કામગીરી પૂર્ણ કરવા સમગ્ર તંત્ર ૨૪×૭ કાર્યરત અર્જુનભાઇ મોઢવાડીયા, ડો.પ્રદ્યુમનભાઇ વાજા, કોૈશિકભાઇ વેકરીયાની ઉપસ્થિતી

(દિપક કક્કડ- રામસિંહ મોરી દ્વારા) વેરાવળ- સુત્રાપાડ તા.૪: મુખ્યમંત્રીશ્રી સ્વંય ગીર-સોમનાથ જિલ્લાના કડવાસણ અને જુનાગઢ જિલ્લાના પાણીદ્રા ગામે સોમવારે બપોર બાદ પહોંચ્યા હતા અને ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને થયેલા નુકસાનનો કયાસ સ્થળ સ્થિતિ નિરીક્ષણ દ્વારા તેમણે મેળવ્યો હતો અને ખેડૂતોની આપવીતી સહાનુભૂતિપૂર્વક સાંભળી હતી.
મુખ્યમંત્રીશ્રી સાથે મંત્રીશ્રીઓ અર્જુનભાઈ મોઢવાડિયા, ડો. પ્રદ્યુમન વાજા અને રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા પણ આ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મૂલાકાતમાં જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ધરતી પુત્રોને સધિયારો આપતા કહ્યું કે, સમગ્ર સરકાર તેમની સાથે પુરી સંવેદનાથી ઉભી છે અને ખેડૂતોને નુકસાનીમાંથી ઝડપભેર પૂર્વવત કરવાની પ્રતિબદ્ધતા સાથે કાર્યરત છે.
તાજેતરના આ કમોસમી વરસાદમાં પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં ૨૪૯ તાલુકાના ૧૬,૦૦૦થી વધુ ગામોના ખેતી પાકોમાં નુકસાન જોવા મળ્યું છે. આ નુકસાનની સામે હાલની સ્થિતિએ ૭૦ ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે, બાકીના વિસ્તારોની કામગીરી પણ સત્વરે પૂર્ણ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતુ.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્ય સરકારે આ નુકસાનીનો સર્વે પૂર્ણ થતાવેંત જ ખૂબ જ ટૂંક સમયમાં ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરવાની દિશામાં પણ કામગીરી ખડેપગે રહીને ઉપાડી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને ખેતી પાકોમાં થયેલા નુકસાન અને સંપૂર્ણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત જિલ્લામાં, કળષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગરમાં, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ તાપીમાં, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને ગીર સોમનાથમાં તેમજ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી જિલ્લાની મુલાકાત લઈને ખેડૂતોના દુઃખમાં સહભાગી બન્યા હતા
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
