<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

જસદણ ભાજપમાં વધુ એક લેટર બૉમ્બ : મહિલા અગ્રણીએ ઉચ્ચ નેતાને 'આડે હાથ લીધા' : વૉટ્સઍપમાં અંગત અને રાજકીય સળી કરવાના ગંભીર આક્ષેપો!

'નીચ કક્ષાના વિચારો ધરાવનાર' પ્રદેશ નેતા અધિકારીઓ મારફતે તપાસ કરાવી ધારાસભ્યને નીચું દેખાડવાનો પ્રયાસ કરે છે : મહિલા અગ્રણીએ 'પત્તર ન ખાંડવી નહિતર મુકીશ નહીં'ની ચીમકી સાથે વિવાદ વકર્યો

(વિજય વસાણી દ્વારા), આટકોટ : જસદણના રાજકારણમાંથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. જસદણના એક ભાજપ મહિલા અગ્રણીએ (બાંધકામ સમિતિના ચેરમેન) વૉટ્સઍપ ગ્રૂપમાં ભાજપના જ એક ઉચ્ચ અગ્રણી નેતાને સીધા આડે હાથ લેતો એક લેખિત સંદેશ મૂક્યો છે, જે 'લેટર બૉમ્બ' તરીકે ભારે વાયરલ થઈ રહ્યો છે.
જાહેર મંચ પર નેતા સામે ગંભીર આક્ષેપ
મહિલા અગ્રણીએ આ લેખિત સંદેશમાં ભાજપના ઉચ્ચ નેતા પર ગંભીર આક્ષેપો મૂક્યા છે. તેમણે લખ્યું છે કે આ નેતા "પ્રદેશના ઉચ્ચકક્ષાના નેતા" હોવા છતાં "હંમેશા નીચ કક્ષાના વિચારો ધરાવનાર" છે અને તેમને કોઈની પર્સનલ લાઈફ હોય, રાજકારણ હોય કે સામાજિક હોય, "સળી ન કરે ત્યાં સુધી મજા ન આવે" તેવા છે.
તપાસ કરાવી નીચું દેખાડવાનો પ્રયાસ
મહિલા અગ્રણીએ ચોક્કસ બનાવનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ નેતાએ ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરીને આદેશ આપ્યા હતા. તેમણે એક મેડમનું નામ લઈને કીધેલું કે એ મેડમ થોડા સ્ટ્રિક્ટ છે, તો તેમને જસદણમાં રોડ રસ્તામાં તપાસ કરવા માટે મોકલો, કારણ કે નગરપાલિકાનું કામ બરાબર થઈ રહ્યું નથી.
તેમણે નેતાના વ્યાવસાયિક હિતો પર સવાલ ઉઠાવીને આક્રોશ વ્યક્ત કર્યો: "એ ઉચ્ચકક્ષાના નેતાને ફેક્ટરીઓ, હોસ્પિટલ જેવા અનેક બિઝનેસોથી આટકોટ સાથે સંકળાયેલા છે. રાજકોટથી આટકોટનું અપડાઉન કરી રહ્યા છે, તો શું તમને રાજકોટ અને આટકોટ વચ્ચેનો રસ્તો દેખાતો નથી? તો જસદણમાં તમારે માથું મારવા આવવું પડે?"
સીધી ચીમકીથી રાજકીય ગરમાવો
સંદેશમાં મહિલા અગ્રણીએ સીધી ચીમકી આપતા લખ્યું છે:
> "સુધરી જાવ ને ભાઈ સાહેબ આપણે સ્ટ્રીક સૂચના આપેલી છે કે મારી પત્તર નો ખાંડવી નહિતર મુકીશ નહીં. તો અત્યારે બાંધકામ સમિતિમાં ચેરમેન હું છું તો શું કામ આરસીએમ (RCM) માં ફરિયાદ કરવી પડે કે જસદણમાં ધ્યાન દો?"
> 
મહિલા અગ્રણીએ આરોપ મૂક્યો છે કે, આરસીએમમાંથી તપાસ આવે એટલે ચાલુ ધારાસભ્યને નીચું દેખાડવા માટે આવા કાર્યોમાં આ નેતા હંમેશા અગ્રેસર રહે છે. તેમનો આક્ષેપ છે કે પક્ષના આ નેતા "પક્ષના કાર્યકર્તાઓ હોય, પક્ષના ધારાસભ્યો હોય, પોર્ટના ઉચ્ચકક્ષાના હોદ્દારો હોય એને કઈ રીતે હેરાન કરવા એમાં હંમેશા આપ અગ્રેસર રહ્યા છો."
આ આંતરિક વિખવાદનો મેસેજ વૉટ્સઍપ ગ્રૂપમાં વાયરલ થતાં ભાજપમાં ભારે ગરમાવો આવ્યો છે.

 

(9:58 PM IST)