News of Wednesday, 5th November 2025
વડોદરા મનપાનું માનવતાહીન કૃત્ય :સાયકલમાં ફુગ્ગા વેચતા ગરીબોની આજીવિકા છીનવી લીધી
સાયકલ જપ્ત થતાં પરિવારનો નાનો બાળક રડી પડ્યો પરંતુ મનપા કર્મચારીઓનું મન પીગળ્યું નહીં

વડોદરા શહેરની મનપાની દબાણ શાખાની કામગીરી એક વાર ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. માનવતા ભૂલાવી દે એવા દ્રશ્યો કાલે કારેલીબાગ વિસ્તારના અમિતનગર બ્રિજ નીચે જોવા મળ્યા હતા, જ્યાં ફૂગ્ગા વેચીને જીવન ગુજારતો ગરીબ પરિવાર મનપાની દબાણ શાખાની કાર્યવાહીનો શિકાર બન્યો.
માહિતી મુજબ, દબાણ શાખાની ટીમે દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન માત્ર ફૂગ્ગા જ નહીં, પરંતુ પરિવારની સાયકલ પણ જપ્ત કરી હતી. જે તેમના રોજીંદા જીવનનિર્વાહનું એકમાત્ર સાધન હતું. સાયકલ જપ્ત થતાં પરિવારનો નાનો બાળક રડી પડ્યો, પરંતુ મનપા કર્મચારીઓનું મન પીગળ્યું નહીં.
સ્થાનિક લોકોએ આ ઘટના જોતા આક્રોશ વ્યક્ત કર્યો હતો. એક તરફ શહેરમાં અનેક ગેરકાયદે દબાણો યથાવત છે, લારી-ગલ્લાઓ પર કોઈ કાર્યવાહી થતી નથી, જ્યારે બીજી તરફ ગરીબ અને શ્રમજીવી પરિવારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એવી ટીકા ઉઠી છે.
આ ઘટના પછી સ્થાનિક સામાજિક કાર્યકરોએ પણ માંગ કરી છે કે મનપાએ આ પરિવારને તરત ન્યાય આપવો જોઈએ અને જીવનનિર્વાહ માટે જરૂરી સહાય પૂરી પાડવી જોઈએ.
(12:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
