News of Wednesday, 5th November 2025
આવતા અઠવાડીયે ઠંડીનો પ્રથમ રાઉન્ડઃ રવિવારથી ચમકારોઃ ૧૨મી સુધીમાં પારો ૩ થી ૫ ડીગ્રીનો ઘટાડો થશે
૮મી સુધી લઘુતમ તાપમાન નોર્મલ તરફ અને ૯મીથી તાપમાન નોર્મલ થી નીચુ જશે, ૧૫ થી ૧૮ ડીગ્રી વચ્ચે રહેશે, પવનની દીશા બદલાતી રહેશેઃ વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલથી તા.૫ થી ૧૨ નવેમ્બર સુધીની આગાહી

રાજકોટઃ કમોસમી વરસાદે વિદાય લીધી છે. હવે ધીમે-ધીમે શિયાળો જામશે. ત્યારે આવતા અઠવાડીયે ઠંડીનો પ્રથમ રાઉન્ડ જોવા મળશે. આવતા રવિવારથી ઠંડીનો ચમકારોની અસર થશે. આગાહી સમય દરમ્યાન ત્રણ થી પાંચ ડીગ્રીનો ઘટાડો થશે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.
તેઓ જણાવે છે કે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન નોર્મલથી ઓછું રહ્યું છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન નોર્મલથી વધુ રહ્યું છે, જે નોર્મલથી લગભગ ૧ થી ૩ ડીગ્રી વધારે નોંધાયું છે. ૫ નવેમ્બરે પણ લઘુત્તમ તાપમાન નોર્મલથી વધુ રહ્યું હતું, જે આવતા દિવસોમાં અપેક્ષિત ઘટાડા પહેલા સવારના સમયની ઉષ્ણતા દર્શાવે છે.
આજે સવારનું લઘુતમ તાપમાન જોઈએ તો અમદાવાદઃ ૨૨.૧ડીગ્રી (નોર્મલથી ૩ડીગ્રી વધારે), વડોદરાઃ ૨૨.૪ડીગ્રી (નોર્મલથી ૩ડીગ્રી વધારે), ભુજઃ ૨૨.૬ ડીગ્રી (નોર્મલથી ૩ડીગ્રી વધારે), રાજકોટઃ ૨૦.૦ડીગ્રી (નોર્મલથી ૧ડીગ્રી વધારે), ડિસાઃ ૨૧.૧ડીગ્રી (નોર્મલથી ૩ડીગ્રી વધારે)
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ માટે તા.૫ થી ૧૨ નવેમ્બર સુધીની આગાહી કરતાં જણાવે છે કે ૮ નવેમ્બર સુધી લઘુત્તમ તાપમાનમાં આશરે ૨ડીગ્રી થી ૩ડીગ્રી સુધીનો ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે તાપમાન નોર્મલની નજીક આવી જશે. ત્યારબાદ ૯ થી ૧૨ નવેમ્બર દરમિયાન વધુ ૨ ડીગ્રી થી ૩ડ ીગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાન નોર્મલથી નીચે જશે.
કુલ મળી લઘુત્તમ તાપમાનમાં ૩ ડીગ્રી થી ૫ ડીગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના છે, અને મોટાભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાન ૧૫ ડીગ્રી થી ૧૮ ડીગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે.
પવનની દિશા સમયાંતરે બદલાતી રહેવાની સાથે ૭ થી ૧૫ કિ.મી./કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. કેટલાક દિવસોમાં છૂટાછવાયા વાદળો જોવા મળી શકે છે, જોકે હવામાન મોટાભાગે શુષ્ક અને ચોખ્ખુ રહેવાની ધારણા છે. આવતા સપ્તાહ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સવારના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
