<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

સસ્‍તા અનાજના દૂકાનદારોની હડતાલ સમાપ્‍તઃ પરમીટ ઉપાડવાનું શરૂઃ લાખો કાર્ડ હોલ્‍ડરોને હાશકારોઃ ૧૭ માંગણીઓ સ્‍વીકારાઇ

દૂકાનદારોને હવે ૧ કિલોએ ૩ રૂા. કમિશનઃ કોરોનાથી મૃત્‍યુ થયેલને ૨૫ લાખની સહાયના પેન્‍ડીંગ કેસોનો નિકાલ આવશે : કમિશન ૩૦ હજાર થશેઃ પરમીટ ઓનલાઇન સાયકલ ૪૫ દિવસની બદલે ૩૦ દિવસની કરાશે

રાજકોટ તા.૫: ગુજરાતના વ્‍યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે રાજ્‍ય સરકાર સાથે મહત્‍વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્‍યના પુરવઠા કેબિનેટ મંત્રી અને રાજ્‍યકક્ષાના મંત્રી બંનેએ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સકારાત્‍મક વાતચીત કરી હતી. પરિણામે સસ્‍તા અનાજના દુકાનદારોની હડતાળ આખરે સમેટાઈ ગઈ છે,  આજથી દૂકાનદારોએ પરમીટ ઉપાડવાનું શરૂ કર્યુ છે, દુકાનો ધમધમી છે અને લાખો ગરીબ કાર્ડ હોલ્‍ઠર પરીવારોને હાશકારો અનુભવાયો છે.

પુરવઠા મંત્રી અને એસોસિએશનના પ્રતિનિધિઓ વચ્‍ચે મળેલી બેઠક સફળ રહી છે, જેમાં દુકાનદારોની મુખ્‍ય માંગણીઓ પર હકારાત્‍મક નિર્ણય લેવામાં આવ્‍યો છે. બેઠક દરમિયાન, સસ્‍તા અનાજના દુકાનદારોના કમિશનમાં વધારો કરવા અંગેનો પ્રસ્‍તાવ આગામી ૧૫ દિવસમાં રજૂ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવતાં એસોસિએશને પોતાની હડતાળ પાછી ખેંચી લીધી છે. દુકાનદારોના ૧ કિલોએ રૂપિયા ૧.૫૦ કમિશન વધારીને ૩ રૂપિયા કરાશે,  તે પણ મહત્‍વની બાબત છે.

બેઠક બાદ હોદેદારોએ જણાવ્‍યું હતું કે, ૯૭ ટકાના વિતરણમાં ૯૪ ટકાની શરત અંગે પણ સરકાર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. તકેદારી સમિતિના સભ્‍યોના ૮૦ ટકા બાયોમેટ્રિક આધારિત જથ્‍થા ઉતારવાના નિયમમાં પણ આંશિક ફેરફાર કરી જુની પદ્ધતિ મુજબ ઓફલાઈન બે સભ્‍યોની સહી સાથે ડિજિટલ પ્રક્રિયા ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

૧૭ માગણી સ્‍વીકારી

૧. દુકાન પર જથ્‍થો મળ્‍યા બાદ ગુણવત્તા-સ્‍ટોક બાબતે તકેદારી સમિતિના સભ્‍યોના બાયોમેટ્રિક વેરિફિકેશન લેવા અંગેનો ઠરાવ રદ કરવો.

૨. કમિશનમાં રૂ. ૩ પ્રતિ કિલો અને મિનિમમ ગેરેન્‍ટેડ કમિશનની રકમમાં વધારો કરી રૂ. ૩૦,૦૦૦ કરવા.

૩. કમિશન બેન્‍ક એકાઉન્‍ટમાં સમયસર મળે. ઈ-પાસબુકમાં નિયત નમૂનામાં અપડેટ મળે તે પ્રકારે સોફ્‌ટવેરમાં સુધારો કરાવવો.

૪. ૯૪% વિતરણ બાયોમેટ્રિકથી થયું હોય તેમને રૂ. ૨૦,૦૦૦ કમિશન આપવું તે બાબતનો સુધારા પરિપત્ર કરવો.

૫. ડીલરના ઈ પ્રોફાઈલમાં પરિવારના સભ્‍યને દાખલ કરવા અને તેમના બાયોમેટ્રિકથી લોગીન થઈ શકે તેવી વ્‍યવસ્‍થા કરીને સર્વરમાં સુધારો કરવો.

૬. ડીલરોની હયાતીમાં વારસાઈ કરવાની જોગવાઈને પુનઃ ચાલુ કરવી.

૭. ડી.એસ.ડી.કોન્‍ટ્રાક્‍ટરો દ્વારા નિર્ધારિત તારીખ સુધીમાં જથ્‍થો પહોંચાડવાની વ્‍યવસ્‍થાનો વાસ્‍તવિક અમલ કરવો.

૮. ગુણવત્તાસભર જથ્‍થો આપવા માટેની યોગ્‍ય નીતિ વિષયક નિર્ણય કરાવીને વાસ્‍તવિક અમલવારી કરવી.

૯. ડીલરો સામે ફરિયાદ કે રજૂઆત થાય ત્‍યારે અને જરૂરિયાત જણાય તો જ કેસ કરવાની નીતિ બનાવવી.

૧૦. ડીલરોની યોગ્‍ય રજૂઆતોને ન્‍યાય મળે તે માટે તકેદારી સમિતિની બેઠકો તાલુકા/જિલ્લા અને રાજ્‍યકક્ષાએ દર માસે નિયમિત મળે.

૧૧. જથ્‍થા વિતરણની પરમિટ ઓનલાઈન બતાવે છે તેની સાઈકલ ૪૫ દિવસની જગ્‍યાએ ૩૦ દિવસની કરવી.

૧૨. ખાતાકીય કેસમાં નાણાકીય દંડને ભરપાઈ કર્યા બાદ ઓનલાઈન પર સ્‍ટોકની અસર આપવાની જોગવાઈનો વાસ્‍તવિક અમલ કરવો.

૧૩. ઓનલાઈન સર્વર ટેકનિકલ કારણોસર ડાઉન થાય ત્‍યારે તેનો ટેક્‍સ મેસેજ ગ્રાહકોને પણ મળે જેથી દુકાનદારોને સંઘર્ષના પ્રશ્નો બને નહીં.

૧૪. પેડ ચલન મુજબનો જથ્‍થો ગોડાઉનથી ડી.સી. બનાવી એક સાથે મળવો જોઈએ, જે માટે સર્વરમાં સુધારો કરવો.

૧૫. કોરોનાથી મળતક થયેલને રૂ. ૨૫ લાખની સહાયના પેન્‍ડિંગ કેસો સત્‍વરે નિકાલ કરો.

૧૬. રાશનકાર્ડ ધારકોના સિંગલ ફિંગર પ્રિન્‍ટથી કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારના બિલ બને.

૧૭. પોર્ટેબિલિટી માટે જથ્‍થાની જરૂરીયાત હોય તેવા દુકાનદારોને ૫% થી વધારીને ૨૫% સુધી જથ્‍થો ફાળવવા અંગે.

ત્રણ માગણી ના સ્‍વીકારી

૧. ડીલરને દુકાન સુધી વિતરણ માટે મળતા જથ્‍થામાં માલ ઘટ આવે છે તેનો વ્‍યવહારીક ઉકેલ લાવવો.

૨. મેન્‍યુઅલ રેકર્ડ રજિસ્‍ટર ફરજિયાત રાખવાના ઠરાવમાં સુધારો કરીને મરજીયાત કરવું.

૩. ડીલર પરવાનામાં ડીલરની વિગતની સાથે નોમિનેશન પ્રથાનો અમલ કરવો

(3:23 PM IST)