<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

ચાણસ્મા નજીક કાર સાથે રિક્ષાની જોરદાર ટક્કર: એક બાળક સહીત 2 લોકોના મોત

બ્રાહ્મણવાડા ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માતમાં ગર્ભસ્થ શિશુ પણ મૃત્યુ પામ્યું: દંપતી સહિત 3 લોકોને ઈજા પહોંચતા સારવાર હેઠળ

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક બાળક સહિત બે વ્યક્તિના મૃત્યુ થયા હતા, જ્યારે એક ગર્ભસ્થ શિશુ પણ મૃત્યુ પામ્યું હતું. દંપતી સહિત 3 લોકોને ઈજા પહોંચતા સારવાર હેઠળ છે

   બ્રાહ્મણવાડા નજીક પહોંચતા જ સામેથી આવતી કાર સાથે રિક્ષા અથડાઈ હતી. આ અકસ્માતમાં રિક્ષાચાલકના કુટુંબી ભાઈ રમેશ સોલંકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચતા ધારપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. 

   ચાણસ્મા તાલુકાના છમીસા ગામના અજીતજી ઠાકોર, તેમની પત્ની અને પાંચ વર્ષનો પુત્ર તેમજ હિંમતજી ઠાકોર અને તેમની પત્ની રિક્ષામાં ચાણસ્મા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રિક્ષાચાલકે તેના કુટુંબી ભાઈને પણ સાથે લીધો હતો. આમ રીક્ષામાં 7 લોકો સવાર હતા

ધારપુરથી અજીતજી ઠાકોર અને તેમના પુત્રને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં પુત્રનું પણ મૃત્યુ થયું હતું. અજીતજી ઠાકોરની પત્ની આઠ માસની ગર્ભવતી હોવાથી ગર્ભમાં રહેલા બાળકનું પણ મોત થયું હતું. પત્નીનો જીવ બચાવવા માટે ઓપરેશન કરીને મૃત બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. રિક્ષાચાલકને પગમાં ફ્રેક્ચર થતા તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે અજીતજી ઠાકોર હાલમાં અમદાવાદ ખાતે સારવાર હેઠળ હોવાનું પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે.

રિક્ષામાં સવાર અન્ય દંપતીને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે ચાણસ્મા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:00 PM IST)