News of Thursday, 6th November 2025
કોંગ્રેસ હજી ૨૫ વર્ષ સત્તાને ભૂલી જાય: ભુજમાં જગદીશ વિશ્વકર્માનો હુંકાર
રેકોર્ડ સાથે ૧.૫૧ લાખ નોટબુક, ૨૦૦ થી વધુ સંસ્થાઓ દ્વારા સન્માન, માતાના મઢ, ભુજ સ્વામિનારાયણ મંદિરે દર્શન : ભાજપ પ્રદેશ પ્રમુખનું બાઇક રેલી સાથે ભવ્ય સ્વાગત : સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા, રાજ્ય મંત્રી ત્રિકમ છાંગા સહિતના ઉપસ્થિત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૬ : પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત કચ્છ આવેલા જગદીશ વિશ્વકર્માનો પ્રવાસ કાર્યક્રમ ભરચક્ક રહ્યો હતો. એ સાથે જ કચ્છ ભાજપના કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉમટી પોતાના પક્ષના પ્રદેશ પ્રમુખને ભારે ઉત્સાહભેર વધાવ્યા હતા. બપોરે વિમાન માર્ગે ભુજ પહોંચી આવ્યા બાદ ભાજપ પ્રમુખે માતાના મઢમાં મા આશાપુરાના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું. ત્યાંથી ભુજ પરત ફરી ભુજના સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી સંતોના આર્શીવાદ મેળવ્યા હતા. ભુજમાં જૂના જનસંઘના કાર્યકરો સાથે ઉપરાંત લોકલ ફોર વોકલ અંતર્ગત હસ્તકલા કારીગરો સાથે ચાય પે ચર્ચા કરી હતી.
યુવા ભાજપ દ્વારા ભુજના રાજમાર્ગો ઉપર વિશાળ બાઈક રેલી યોજી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને સમારોહ સ્થળે સન્માનભેર લઈ જવાયા હતા.
ભુજના સ્મૃતિવન ખાતે આયોજિત કચ્છ ભાજપના કાર્યકરોને સંબોધતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસને ચાબખા મારી ભાજપ સરકારની વિકાસયાત્રાને બિરદાવી હતી. ભૂકંપ સમયે કચ્છી પ્રજાના ખમીરને બિરદાવી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કચ્છના થયેલ સર્વગ્રાહી વિકાસ અંગે જણાવી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની નકારાત્મકતાની ઝાટકણી કાઢી હતી. નર્મદા યોજનાના મોડા અમલીકરણનો દોષ કોંગ્રેસ ઉપર ઢોળી પ્રદેશ ભાજપ પ્રમુખે હુંકાર કર્યો હતો કે હજી આવનારા ૨૫ વર્ષ સુધી કોંગ્રેસ સત્તાને ભૂલી જાય.
ભુજના સ્મૃતિ વન ખાતે રાજ્યમાં પ્રથમ જ વખત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું ૧.૫૧ લાખ નોટબુકથી સન્માન કરાયું હતું. આ નોટબુકો ગરીબ વિધાર્થીઓને વિતરિત કરાશે એવું સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું. કચ્છની ૨૦૦ થી વધુ સંસ્થાઓએ પ્રદેશ ભાજપ પ્રમુખનું ઉષ્માભેર સન્માન કરી આવકાર આપ્યો હતો.
કાર્યક્રમમાં પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા, રાજ્ય મંત્રી ત્રિકમ છાંગા, સંગઠન પ્રભારી કશ્યપ શુક્લ, અભિવાદન સમિતિના ધવલ દવે, ઋત્વિજ પટેલ, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, જિલ્લા ભાજપના આગેવાનો પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, ઉપેન્દ્ર ઉપાધ્યાય ધવલ આચાર્ય, દિલીપ શાહ, નરેન્દ્ર પ્રજાપતિ, શીતલ શાહ, જિગર છેડા ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી, ચેતન કતીરા, સંજય મહેશ્વરી, પ્રદેશ સમિતિના શૈલેષ પરમારે સંભાળી હતી.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
