તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th November 2025
અમદાવાદમાં રાયપુર દરવાજાથી કાંકરિયા સુધીનો રોડ 24.38 મીટર પહોળો થશે :41 મિલકતો કપાશે
10 એકર મોલથી વોરાના રોજા સુધીના 15.25 મીટરના વન-વે રોડને 24.38 મીટર પહોળો કરાશે :ટી.પી. રોડને આર.ડી.પી. મુજબ 24.38 મીટર કરવાનો નિર્ણય લેવાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મધ્ય ઝોનમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા નિવારવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાડિયા વોર્ડમાં આવેલા રાયપુર દરવાજાથી કાંકરિયા તળાવ સુધીના રોડને પહોળો કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને પિક અવર્સમાં ટ્રાફિક જામ થતા આ વિસ્તારને ધ્યાનમાં રાખીને, 10 એકર મોલથી વોરાના રોજા સુધીના 15.25 મીટરના વન-વે રોડને 24.38 મીટર પહોળો કરવામાં આવશે. AMCના આયોજન મુજબ, હાલના ટી.પી. રોડને આર.ડી.પી. મુજબ 24.38 મીટર કરવાનો નિર્ણય લેવાયો છે.
રોડના વિસ્તરણ માટે એસ્ટેટ-ટીડીઓ વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં કુલ 41 મિલકતો કપાતમાં જશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. આ કપાતમાં જનારી મિલકતોમાં 7 રેસિડેન્શિયલ (રહેણાંક), 31 કોમર્શિયલ (વ્યવસાયિક) એકમો અને એક ધાર્મિક સ્થળની દેરી તથા એક જાહેર ટોઇલેટનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કપાતમાં જનારી આ મિલકતોના ધારકોને તેમના કાયદેસરના પુરાવા રજૂ કર્યા પછી, વર્ષ 2010માં નક્કી કરાયેલા નિયમ પ્રમાણે વળતર ચૂકવવામાં આવશે.
AMC દ્વારા સૂચિત રોડલાઈન પ્રિસ્ક્રાઈબ કરવા માટે બે અગ્રણી વર્તમાનપત્રોમાં જાહેરખબર આપીને નાગરિકો પાસેથી 30 દિવસમાં વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જોકે, મધ્ય ઝોનના એસ્ટેટ-ટીડીઓ વિભાગને હજુ સુધી એકપણ વાંધા અરજી મળી નથી. આ રોડને પહોળો કરવાની આનુષંગિક કાર્યવાહી હાથ ધરવા માટે AMC કમિશનરને સત્તા આપવા માટેની દરખાસ્ત આવતીકાલે યોજાનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યા બાદ જ આ સૂચિત રોડને પહોળો કરવાની અને દબાણો હટાવવાની સત્તાવાર કાર્યવાહી શરૂ થશે, જેનાથી ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળવાની અપેક્ષા છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
